અમદાવાદઃ કોરોનાના પ્રકોપને કારણે આ વખતે હોળી ધૂળેટીની ઉજવણી નિયંત્રણો સાથે કરવાની રહેશે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર આ વર્ષે ધૂળેટીના દિવસે કોઈપણ વ્યક્તિ ઉપર રંગ છાંટશો, રંગ સાથે કે ટોળાંમાં નીકળશો તો પોલીસ તેને જેલ ભેગા કરશે.


આ માટે અમદાવાદમાં કલક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે અને તેના માટે વધારાની ફોર્સ ફાળવવાની તૈયારી ચાલી હી છે. ધૂળેટીએ સવાર-સાંજ સઘન પેટ્રોલિંગ સાથે પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ કરવામાં આવનાર છે. આ વર્ષે હોળી ધૂળેટીમાં જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જાહેરનામાં કહ્યું છે કે, કોરોનાની હાલની સ્થિતિને જોતા હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. આથી, આ તહેવારની ઉજવણી દરમિયાન જાહેર જગ્યાએ ઉજવણી અને અન્ય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.


જાહેરનામા અનુસાર આ વખતે હોળી પરંપરાગત રીતે માર્ત મર્યાદીત સંખ્યામાં લોકો સાથે પ્રગટાવી શકાશે. ઉપરાંત હોળીની પ્રદક્ષિણા અને ધાર્મિક વિધી પણ કરી શકાશે. હોળી-દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન થાય તેની જવાબદારી આયોજકોની રહેશે.


આ મામલે પોલીસે શહેરમાં જ્યાં હોલિકા દહન થાય છે તે તમામ સ્થળોની વિગતો ભેગી કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. સોશિયલ ડીસ્ટન્સ નહીં હોય અને ટોળાશાળી હશે તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે.


ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક પર પ્રતિબંધ હોવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. પોલીસ અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, હોળીમાં સોશિયલ ડીસ્ટન્સ ઉપરાંત ધૂળેટીએ બીજી વ્યક્તિ ઉપર રંગ કે રંગીન પાણી કે એવો પદાર્થ નાંખવા કે છાંટવા ઉપર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


આ વર્ષે કોરોનાને કારણે પોલીસ સ્ટેશનોને વધારાનો ફોર્સ આપવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ ઉપર કે કોઈપણ સ્થળે રંગ સાથે કે ટોળા સાથે ધૂળેટી રમતાં લોકો મળી આવશે તો જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.