નવો નિયમ 08 માર્ચ 2026 થી 06 મે 2026 સુધી, એટલે કે કુલ 50 દિવસ માટે લાગુ રહેશે.
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગેરેજ અને વર્કશોપ માટે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. BNSSની કલમ ૧૬૩ હેઠળ હવેથી વાહન રિપેરિંગ માટે રજીસ્ટર નિભાવવું અને સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે.

- અમદાવાદમાં ગુનાખોરી ઘટાડવા નવા જાહેરનામા લાગુ કરાયા.
- ગેરેજ માલિકોએ વાહન માલિકની સંપૂર્ણ વિગતો નોંધવી પડશે.
- ઓળખપત્ર, વાહન નંબર, એન્જિન-ચેસીસ નંબર ફરજિયાત.
- સીસીટીવી કેમેરા અને 30 દિવસનું રેકોર્ડિંગ રાખવું પડશે.
અમદાવાદ શહેરમાં વધી રહેલા ગુનાઓ અને વાહન ચોરીના બનાવોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા તારીખ 08 માર્ચ 2026 ના રોજ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવો નિયમ સમગ્ર અમદાવાદ શહેરમાં તારીખ 08 માર્ચ 2026 થી 06 મે 2026 સુધી એટલે કે કુલ 50 દિવસ માટે લાગુ રહેશે. જે અંતર્ગત શહેરના તમામ ગેરેજ, વાહન સમારકામ કેન્દ્રો અને સર્વિસ સ્ટેશનના માલિકોએ વાહન રિપેર કરવા આવતા લોકોની સંપૂર્ણ નોંધ રાખવી ફરજિયાત બની ગઈ છે.
તમને થતું હશે કે અચાનક આવો નિર્ણય કેમ લેવાયો? તો વાત એમ છે કે, અમદાવાદ એક મોટું ઔદ્યોગિક શહેર હોવાથી અહીં કામકાજ માટે બહારના રાજ્યોમાંથી ઘણા લોકો આવે છે. વસ્તી વધવાની સાથે શહેરમાં ચોરી, લૂંટફાટ, અને ચેન સ્નેચિંગ જેવા મિલકત અને શરીર સંબંધી ગુનાઓ પણ વધ્યા છે. આવા ગુનાઓ કરવા માટે ગુનેગારો મોટાભાગે ચોરાયેલા બે પૈડાવાળા કે ચાર પૈડાવાળા વાહનોનો ઉપયોગ કરતા હોય છે. ગુનો કર્યા પછી પકડાઈ જવાના ડરથી આ લોકો વાહનમાં ફેરફાર કરાવવા કે તેને રિપેર કરાવવા માટે સ્થાનિક ગેરેજમાં જતા હોય છે.
અગાઉ ગેરેજ માલિકો કે મેનેજર તેમના ત્યાં આવતા ગ્રાહકનું કોઈ ઓળખપત્ર માંગતા ન હતા કે કોઈ રજિસ્ટર નિભાવતા ન હતા. જેના કારણે પોલીસને ગંભીર ગુનાઓ ઉકેલવામાં અને ગુનેગારો સુધી પહોંચવામાં ઘણો સમય લાગતો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
નવા નિયમ મુજબ ગેરેજ સંચાલકોએ શું કરવાનું રહેશે?
- હવેથી જ્યારે પણ તમે તમારું વાહન લઈને કોઈ ગેરેજ કે વર્કશોપમાં જશો, ત્યારે ગેરેજ માલિકે એક ખાસ રજિસ્ટરમાં તમારી માહિતી નોંધવી પડશે.
- આ માહિતીમાં વાહનનો પ્રકાર, કંપનીનું નામ, વાહનનો નોંધણી નંબર, એન્જિન નંબર અને ચેસીસ નંબર લખવો પડશે.
- આ ઉપરાંત વાહન માલિકનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને કોઈ એક સરકારી ઓળખપત્ર પણ આપવું પડશે.
- વાહન કઈ તારીખે ગેરેજમાં મૂક્યું અને કઈ તારીખે પાછું લઈ ગયા, તેની નોંધ પણ ફરજિયાત કરવાની રહેશે.
- સૌથી મોટી વાત એ છે કે વાહન આપવા આવનાર અને લેવા આવનાર વ્યક્તિની વિગતો પણ નોંધવામાં આવશે.
માત્ર કાગળ પર નોંધ રાખવી પૂરતી નથી. પોલીસ કમિશનરના આદેશ મુજબ, તમામ ગેરેજ અને સર્વિસ સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના રસ્તા પર દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. આ કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે, જેથી જ્યારે પણ પોલીસ ચેકિંગ માટે આવે ત્યારે તેમને સરળતાથી ડોક્યુમેન્ટ અને ફૂટેજ મળી શકે.
જો કોઈ ગેરેજ માલિક કે સંચાલક આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ખાતાના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના અધિકારીઓને આ નિયમ ભંગ કરનારા સામે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.
Frequently Asked Questions
અમદાવાદ શહેરમાં ગેરેજ અને સર્વિસ સ્ટેશન માટે નવો નિયમ ક્યારથી લાગુ પડશે?
આ નવા નિયમનો મુખ્ય હેતુ શું છે?
આ નિયમનો મુખ્ય હેતુ શહેરમાં વધી રહેલા ગુનાખોરી અને વાહન ચોરીના બનાવોને રોકવા તેમજ ગુનેગારોને ઝડપથી પકડવામાં પોલીસને મદદ કરવાનો છે.
ગેરેજ સંચાલકોએ વાહન રિપેર કરવા આવતા ગ્રાહકોની કઈ વિગતો નોંધવી પડશે?
ગેરેજ સંચાલકોએ વાહનનો પ્રકાર, કંપની, નોંધણી નંબર, એન્જિન અને ચેસીસ નંબર, વાહન માલિકનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઓળખપત્ર નોંધવું પડશે.
નિયમનું પાલન ન કરનાર ગેરેજ માલિકો સામે શું કાર્યવાહી થશે?
નિયમનું પાલન ન કરનાર ગેરેજ માલિકો સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.






















