Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Ahmedabad Cough Syrup Seized: અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી અને નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે

- અમદાવાદ પોલીસે 609 પ્રતિબંધિત કફ સીરપ બોટલ જપ્ત કરી.
- જમાલપુર અને વટવાથી બે આરોપી હનીફ-નિહાલખાનની ધરપકડ કરાઈ.
- વિવિધ વ્યવસાયની આડમાં ચાલતા ગેરકાયદે નેટવર્કની તપાસ શરૂ.
Ahmedabad Cough Syrup Seized: અમદાવાદ શહેરમાં નશીલી અને પ્રતિબંધિત કફ સીરપના અનાધિકૃત વેચાણ સામે કાર્યવાહી કરતા પોલીસે જમાલપુરના તાજનગરવાડ સ્થિત હીના બ્યૂટી પાર્લર તથા વટવા વિસ્તારમાં દરોડા પાડીને કુલ 609 બોટલ કફ સીરપ જપ્ત કરી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ ગાયકવાડ હવેલી પોલીસે હનીફ છીપા અને નિહાલખાન પઠાણ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી અને નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ચોક્કસ બાતમીના આધારે ગાયકવાડ હવેલી પોલીસની ટીમે જમાલપુર તાજનગરવાડ ખાતે આવેલા 'હીના બ્યૂટી પાર્લર'માં અચાનક દરોડો પાડ્યો હતો. મહિલા વસવાટ અને વ્યવસાયની આડમાં ચાલતા આ સ્થળેથી પોલીસને તપાસ દરમિયાન પ્રતિબંધિત નશીલી કફ સીરપની 131 બોટલો મળી આવી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી જ કફ સીરપના વેચાણ અને સંગ્રહમાં સંકળાયેલા હનીફ છીપા અને નિહાલખાન પઠાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત, વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નશીલી કફ સીરપની 478 બોટલોનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. આ બે અલગ-અલગ દરોડામાં ઝડપાયેલો મોટો જથ્થો દર્શાવે છે કે શહેરમાં તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર અને નશાના હેતુ માટે આવી સીરપ પહોંચાડવાનું મોટું નેટવર્ક કાર્યરત હતું.
પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરાયેલ કફ સીરપના જથ્થાના મુખ્ય સપ્લાયર અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો અને દુકાનોમાં બ્યૂટી પાર્લર કે અન્ય વ્યવસાયની આડમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે આગામી દિવસોમાં પોલીસ કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરશે.






















