અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 10 નિર્દોષ લોકોના મોત બાદ પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. બીજી તરફ બ્લાસ્ટ બાદ પ્રશાસને આસપાસ ધમધમતી અન્ય ચાર ફટાકડા ફેક્ટરીઓ સામે પણ કાર્યવાહી કરીને તેને સીલ કરી દીધી છે.
પોલીસ અધિકારીઓને સામેલ કરી SITની રચના
બ્લાસ્ટની તપાસ માટે રચાયેલી SITમાં રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મોરી, એસ ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ અને ઝોન-8ના ડીસીપી મયુર પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર તપાસનું સુપરવિઝન સેક્ટર-2ના જેસીપી જયપાલસિંહ રાઠોડ કરશે. નોંધનીય બાબત એ છે કે SITમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), કલેક્ટર કચેરી અથવા ઇલેક્ટ્રિકલ વિભાગના કોઈપણ અધિકારીને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા નથી. આ વિભાગોને માત્ર જરૂરી સંકલન અને માહિતી પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ચાર ફટાકડા ફેક્ટરી સીલ
બ્લાસ્ટની ઘટના બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. રામોલ અને આસપાસના વિસ્તારમાં ચાલતી અન્ય ચાર ફટાકડા ફેક્ટરીઓ પર તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે. જે ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે તેમાં કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી (વસ્ત્રાલ), મોહસિનખાન સિદ્દીકખાન પઠાણ (રામોલ), જીશાનુદ્દીન ઝહીરુદ્દીન સૈયદ (નારોલ) અને કમરૂદ્દીન બદરૂદ્દીન સૈયદની કિંગ ફાયર વર્ક્સનો સમાવેશ થાય છે.
લાયસન્સની મર્યાદા પૂર્ણ અને નિયમોના ભંગ બદલ કાર્યવાહી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક ફેક્ટરીમાં જરૂરી સ્ટ્રક્ચરલ વ્યવસ્થા વિના ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હતું, જ્યારે અન્ય કેટલીક ફેક્ટરીઓ પાસે રહેલા એક્સપ્લોઝિવ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. આ કારણોસર સંબંધિત ફેક્ટરીઓને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે SIT બ્લાસ્ટ પાછળના કારણો, ગેરકાયદે રીતે ફેક્ટરી ચલાવવા માટે જવાબદાર વ્યક્તિઓ તેમજ સંબંધિત વિભાગોની સંભવિત બેદરકારી સહિતના તમામ પાસાઓની તપાસ કરશે. સમગ્ર ઘટનામાં કોઈપણ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ અને આગની ઘટનામાં મૃત્યુઆંક હવે વધીને 10 પર પહોંચી ગયો છે. ઘટનામાં ગંભીર રીતે દાઝેલા વધુ એક 45 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત થતાં દુર્ઘટના વધુ કરુણ બની છે. બીજી તરફ, ગેરકાયદે ફેક્ટરી ચલાવવાના મામલે પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
