આ ઘટના અમદાવાદ શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં બની હતી. સિક્યોરિટી ગાર્ડ કપિલ પર જૂની અદાવતને કારણે ટોળાએ હુમલો કર્યો હતો.
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાએ હુમલો કર્યો હતો જેમાં સાત આરોપીની ધરપકડ કરી હતી.

- અમદાવાદમાં સુરક્ષા ગાર્ડ પર ટોળાએ હુમલો, 7 ઝડપાયા.
- જૂની અદાવત સમાધાન બહાને ગાર્ડને બેલ્ટથી ઢોરમાર માર્યો.
- હુમલાખોરોએ ગાર્ડને દોડાવી-દોડાવી માર માર્યો, વીડિયો વાયરલ.
- મદદ રોકવા ‘છોકરીની છેડતી’ની ખોટી અફવા ફેલાવી હતી.
Ahmedabad: અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાએ હુમલો કર્યો હતો જેમાં સાત આરોપીની ધરપકડ કરી હતી. જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને બોલાવી સિક્યોરિટી ગાર્ડ પર 10થી 15 શખસોના ટોળાએ હુમલો કર્યો હતો. સિક્યોરિટી ગાર્ડને રસ્તા પર દોડાવી-દોડાવીને બેલ્ટ વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કૃષ્ણનગર પોલીસે 7 આરોપીની ધરપકડ કરી હતી.
સૈજપુરમાં રહેતા 36 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ કપિલ સાથે જૂની અદાવતનો બદલો લેવા હુમલાખોરોએ સમાધાનનું નાટક રચ્યું હતું. 31 ઓક્ટોબરે ચાલી પાસે આંટા મારવાની ના પાડવા બાબતે બોલાચાલી થયા બાદ પહેલી નવેમ્બરની રાત્રે રાહુલ લુહાર, લખન પાટીલ, આનંદ પાટીલ, રમેશ લુહાર અને મેહુલ લુહાર સહિત 10થી 15 લોકોનું ટોળું સમાધાનના બહાને ત્યાં પહોંચ્યું હતું. કપિલ જેવો બહાર આવ્યો કે તરત જ ટોળાએ તેમના પર તૂટી પડીને રસ્તા પર દોડાવી-દોડાવીને પટ્ટા વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું.
હુમલાખોરો એટલા બેખોફ હતા કે કરણ લુહાર નામનો શખસ આખી ઘટનાનો વીડિયો શૂટ કરીને રોફ જમાવી રહ્યો હતો. એટલું જ નહીં, સ્થાનિક લોકો કપિલની મદદે ન આવે તે માટે મેહુલ લુહાર નામના આરોપીએ ષડયંત્ર રચ્યું. તેણે આસપાસના લોકોને ગેરમાર્ગે દોરવા માટે "કપિલે છોકરીની છેડતી કરી છે" તેવી ખોટી બૂમો પાડીને અફવા ફેલાવી, જેથી કોઈ પણ વ્યક્તિ તેમને બચાવવા આગળ ન આવી શકે.
આરોપીઓએ યુવક વિરુદ્ધ છેડતીની ખોટી વાત ફેલાવી સ્થાનિક લોકોનું ધ્યાન અન્ય તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને ધમકી આપવામાં આવી હતી કે જો તે પોલીસ ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
Before You Go
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Frequently Asked Questions
આ ઘટના કયા શહેરમાં અને કયા વિસ્તારમાં બની હતી?
સિક્યોરિટી ગાર્ડ પર શા માટે હુમલો કરવામાં આવ્યો?
સિક્યોરિટી ગાર્ડ કપિલ પર જૂની અદાવતનો બદલો લેવા માટે હુમલો કરવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબરે ચાલી પાસે આંટા મારવાની ના પાડવા બાબતે બોલાચાલી થઈ હતી.
આ હુમલાના સંબંધમાં કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે?
આ ઘટનામાં કૃષ્ણનગર પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. હુમલામાં 10થી 15 શખસોનું ટોળું સામેલ હતું.





















