Ahmedabad school van fare hike: આજથી (8 જૂન) રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે. શાળાના પ્રથમ દિવસે બાળકોમાં એક તરફ અનન્ય ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક મોટો આર્થિક માર પડ્યો છે. નવા સત્રના પ્રારંભ સાથે જ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

Continues below advertisement

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને CNG ગેસના સતત વધતા ભાવ અને વાહનોના સ્પેરપાર્ટ્સના ખર્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં તાત્કાલિક અસરથી ધરખમ વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિર્ણયના કારણે વાલીઓએ હવે દર મહિને પોતાના ખિસ્સા વધુ હળવા કરવા પડશે.

Continues below advertisement

નવા ભાડા માળખા અંતર્ગત હવેથી સ્કૂલ વાનના માસિક ભાડામાં ₹200 અને સ્કૂલ રિક્ષાના માસિક ભાડામાં ₹100 નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. શૈક્ષણિક સત્રના પ્રારંભે જ યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી અને સ્કૂલ ફીનો મોટો ખર્ચ સામટો આવી પડ્યો છે, ત્યાં ટ્રાન્સપોર્ટેશનના આ વધારાથી મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જશે.

એસોસિએશન દ્વારા આ ભાવ વધારા પાછળ ચોક્કસ કારણો રજૂ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા 2 વર્ષથી સ્કૂલ વર્ધીના ભાડામાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ વર્તમાન સમયમાં વાહન ચલાવવાનો અને તેનો નિભાવ કરવાનો ખર્ચ અગાઉ કરતાં ખૂબ જ વધી ગયો છે.

આ પણ વાંચોઃ ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા

આંકડાકીય વિગતો મુજબ, જૂન 2024 માં CNG ગેસનો ભાવ પ્રતિ કિલો ₹76.09 હતો, જે હવે જૂન 2026 માં વધીને ₹88.02 થઈ ગયો છે. આમ, છેલ્લા બે વર્ષમાં ગેસની કિંમતમાં સીધો ₹12 નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત વાહનોના RTO પાસિંગનો ખર્ચ, વીમો (ઇન્શ્યોરન્સ) અને સ્પેરપાર્ટ્સ પણ મોંઘા થતાં આ નિર્ણય લેવો પડ્યો છે.

નવા ભાડા માળખા અનુસાર, સ્કૂલ રિક્ષામાં દર કિલોમીટર દીઠ ₹100 નો માસિક વધારો નક્કી કરાયો છે. હવે 1 કિલોમીટર માટે ₹850, 2 કિલોમીટર માટે ₹950, 3 કિલોમીટર માટે ₹1050, 4 કિલોમીટર માટે ₹1150 અને 5 કિલોમીટરના અંતર માટે વાલીઓએ દર મહિને ₹1250 નું ભાડું ચૂકવવું પડશે.

આ જ પ્રમાણે સ્કૂલ વાનના ભાડામાં દર કિલોમીટર દીઠ ₹200 નો માસિક વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે વાલીઓએ 1 કિલોમીટરના ₹1400, 2 કિલોમીટરના ₹1600, 3 કિલોમીટરના ₹1800, 4 કિલોમીટરના ₹2000 અને 5 કિલોમીટરના અંતર માટે માસિક ₹2200 ચૂકવવાના રહેશે.

આમ, એક તરફ મોંઘી ફી અને શૈક્ષણિક સાહિત્યના ભારથી પરેશાન વાલીઓ માટે આ ટ્રાન્સપોર્ટેશનનો વધારો 'કરેલા ઘા પર મીઠું છાંટવા' સમાન સાબિત થઈ રહ્યો છે. એસોસિએશને પોતાની મજબૂરી દર્શાવીને આ આર્થિક બોજ અંતે સામાન્ય જનતા અને મધ્યમવર્ગીય પરિવારોના માથે જ નાખ્યો છે.