Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Serial Blast Case News: હાઈકોર્ટે વર્ષ 2022ના સ્પેશિયલ કોર્ટના આદેશ પર આખરી મહોર મારવાની સાથે જ પીડિતોના વળતરમાં ધરખમ વધારો કરીને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને ન્યાયપૂર્ણ બનાવી છે

- હાઈકોર્ટે 38 આતંકીઓની ફાંસી, 11ની કેદ યથાવત રાખી.
- 2008માં સિમીએ અમદાવાદમાં 21 બ્લાસ્ટ કરી 56 લોકો માર્યા.
- વિશેષ અદાલતે 2022માં 49ને દોષિત ઠેરવી સજા ફરમાવી.
- મૃતકોને દસ લાખ, ઇજાગ્રસ્તોને એક લાખ વળતર વધ્યું.
Ahmedabad Serial Blast Case News: ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે 7 જુલાઈના રોજ, 2008માં પ્રતિબંધિત સંગઠન 'સિમી' (SIMI) દ્વારા અમદાવાદને હચમચાવી નાખનારા આતંકી કાવતરાના વિરોધમાં, વિશેષ અદાલતના કડક આદેશને માન્ય રાખીને 38 આતંકીઓની ફાંસી અને 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખતો દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.
હાઈકોર્ટે વર્ષ 2022ના સ્પેશિયલ કોર્ટના આદેશ પર આખરી મહોર મારવાની સાથે જ પીડિતોના વળતરમાં ધરખમ વધારો કરીને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને ન્યાયપૂર્ણ બનાવી છે. આ ભયાનક આતંકવાદી કૃત્યમાં અમદાવાદના અલગ-અલગ 21 સ્થળો પર થયેલા વિસ્ફોટોમાં 56 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.
અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
વિગતો મુજબ, 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં માત્ર 70 મિનિટના ટૂંકા ગાળામાં 21 શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરીને આખાય દેશમાં ભયનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓએ આ કેસમાં કડક કાર્યવાહી કરીને સફદર નગોરી સહિત કુલ 78 આરોપીઓ સામે ગુનો નોંધી સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવી હતી. ત્યારબાદ, 18 ફેબ્રુઆરી 2022 ના રોજ વિશેષ અદાલતના જજ એ.આર. પટેલે 49 આરોપીઓને દોષિત ઠેરવીને દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 38 આતંકીઓને ફાંસીની અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી.
ગુજરાત હાઈકોર્ટે આજે આ તમામ સજાઓની પુષ્ટિ કરવાની સાથે જ માનવતાવાદી અભિગમ અપનાવીને પીડિતોના પરિવારો માટે આર્થિક વળતરમાં મોટો વધારો કર્યો છે. હાઈકોર્ટના નવા આદેશ અનુસાર, વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા મૃતકોના આશ્રિતોને હવે 1 લાખના બદલે 10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોને 1 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવામાં આવશે. હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ નિર્ણયથી લાંબા સમય બાદ પીડિત પરિવારોના આંસુ લૂછાયા છે અને દેશ વિરોધી તત્વોને કડક સંદેશ મળ્યો છે.






















