અમદાવાદઃ વાસણા વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. વાસણા ખાતે આવેલી જી.બી. શાહ કોલેજની સામેના મંદિરના ઓટલે જ બે શખ્સોએ છરીથી યુવકની અંગત અદાવતમાં હત્યા કરી નાખી હતી. હાલ આ મામલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા તજવિજ હાથ ધરી છે.
વાસણામાં આવેલી જી.બી. શાહ કોલેજની સામેના મંદિર પાસે રાત્રે મહેશ ઉર્ફે મલો ઠાકોર તેના મિત્રો સાથે ઉભો હતો. ત્યારે તેને શિવમ નામના યુવક સાથે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. જેને લઇને શિવમનો ભાઇ દિશાંત પટેલ મોડી રાત્રે તેના મિત્ર સાથે આવ્યો હતો. દિશાંતે મહેશ ઉર્ફે મલાની સાથે બોલાચાલી કરી મારામારી કરી અને આવેશમાં આવીને છરી મારી દેતાં મહેશ ઉર્ફે મલો ત્યાં લોહી લુહાણ હાલમાં પડી ગયો અને પરિવારજનોએ તેને હૉસ્પિટલમાં ખસેડતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વેજલપુર પોલીસે દિશાંત અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.