અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી શરુઆત આજથી થઈ ગઈ છે. આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતથી કૉંગ્રેસના નવસર્જનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદારના સાનિધ્યમાં  CWCની બેઠક પૂર્ણ થઈ હતી.  CWCની બેઠકની શરુઆતમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગાંધી અને સરદારને યાદ કર્યા હતા. કૉંગ્રેસના નેતા કન્હૈયા કુમારે કહ્યું, કૉંગ્રેસ પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તા માટે આ ગર્વની ક્ષણ છે કે કૉંગ્રેસની સંગઠનાત્મક સંરચનાને મહાત્મા ગાંધીજીએ પોતાના હાથે તૈયાર કરી છે.  

ગુજરાતની જનતાએ દેશને રસ્તો બતાવવાનું કામ કર્યું- કન્હૈયા કુમાર

કૉંગ્રેસના નેતા કન્હૈયા કુમારે વધુમાં કહ્યું કે,   કોંગ્રેસને સંગઠિત કરવાનું અને ગાંધીજીના માર્ગ પર લઈ જવાનું કામ સરદાર પટેલે કર્યું હતું.  આજે આપણી સામે પડકાર એ છે જે આઝાદી કૉંગ્રેસ પાર્ટીએ અપાવી અને સંવિધાન બનાવ્યું, તેને નફરત ફેલાવનારા લોકો નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જે પ્રેરણાએ દેશને આઝાદી અપાવી અને બંધારણનું નિર્માણ કર્યું એ જ પ્રેરણા માટે અમે ગુજરાતમાં આવ્યા છીએ. જ્યારે પણ દેશને જરૂર પડી છે ત્યારે ગુજરાતની જનતાએ દેશને રસ્તો બતાવવાનું કામ કર્યું છે. આ સંમેલન દ્વારા પરિવર્તન અને પ્રેમનો સંદેશ દેશભરમાં દૂર દૂર સુધી ફેલાશે. 

9 એપ્રિલે અધિવેશનની બેઠક મળશે

9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે અધિવેશનની બેઠક થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે અને બાદમાં એજન્ડા પર ચર્ચા થશે. ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે.

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મહત્વપૂર્ણ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.