સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મંત્રી ઋષિકેશ પટેલે લખ્યું હતું કે "19/06/2025 ના રોજ સવારે 8:30 વાગ્યે અપડેટ કરવામાં આવ્યું છે. DNA મેચ થયાની સંખ્યા - 210. સંપર્ક કરાયેલા સંબંધીઓની સંખ્યા - 210. પરિવારજનોને સોંપવામાં આવેલા મૃતદેહોની સંખ્યા- 187. અન્ય મૃતદેહો ટૂંક સમયમાં સોંપવામાં આવશે."
દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા. વિમાન (અવરોધો તોડી પાડવા) નિયમો, 2025 નામનો ડ્રાફ્ટ 18 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને તે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી અમલમાં આવશે.
નિયમોનો હેતુ અધિકારીઓને એ વૃક્ષો અને ઈમારતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર આપવાનો છે જેની ઉંચાઇ એરપોર્ટ વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ છે. તેને ફ્લાઇટના માર્ગમાં અવરોધોને કારણે થતા સંભવિત અકસ્માતોને રોકવા માટે એક સક્રિય પગલા તરીકે જોવામાં આવે છે.
ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા કાયદાની કલમ 18ની પેટા કલમ (1) હેઠળ કોઈપણ સૂચના જાહેર કરવામાં આવી છે અને સંબંધિત એરપોર્ટના પ્રભારી અધિકારી પાસે એવું માનવાનું કારણ છે કે કોઈપણ ઇમારતના માલિક ઉપરોક્ત સૂચનાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે તો તે ઉપરોક્ત કલમની પેટા કલમ (3) માં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર, ઇમારત અથવા વૃક્ષના માલિકને નોટિસની એક નકલ સોંપશે."
ડ્રાફ્ટ હેઠળ નિર્ધારિત ઊંચાઈ મર્યાદાનું ઉલ્લંઘન કરતી કોઈપણ ઈમારતને એરપોર્ટના ઇન્ચાર્જ અધિકારી દ્વારા નોટિસ આપી શકાય છે. માલિકોએ સાઠ દિવસની અંદર માળખાના પરિમાણો અને સ્થળ યોજનાઓ સહિત વિગતવાર માહિતી સબમિટ કરવાની રહેશે. પાલન ન કરવાથી તોડી પાડવા અથવા ઊંચાઈ ઘટાડવા સહિતની કાર્યવાહી થઈ શકે છે. ભૌતિક ચકાસણી માટે અધિકારીઓને માલિકને જાણ કર્યા પછી પરિસરમાં પ્રવેશવાની સત્તા આપવામાં આવી છે.
જો કોઈ પાલન ન થાય તો ઇન્ચાર્જ અધિકારીએ આ બાબતની જાણ જિલ્લા કલેક્ટરને કરવાની રહેશે, જે ખાતરી કરવા માટે જવાબદાર રહેશે કે ડિમોલિશન અથવા કાપણીનું કામ આદેશ મુજબ હાથ ધરવામાં આવે. આ પ્રક્રિયા અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા જેવી જ રહેશે.