ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. ૧૫ જૂનથી ચાર માસ માટે એટલે કે તારીખ ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ, વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.  

Continues below advertisement

વધુમાં જણાવ્યાનુસાર આગામી તા. ૧૬ ઓક્ટોબર-૨૦૨૫થી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.  નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉત્તર પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં હજુ ચાર દિવસ ગરમીનો અહેસાસ થશે. આગામી ચારથી પાંચ દિવસ સુધી શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે શહેરમાં વાતાવરણ સ્વચ્છ રહ્યા બાદ ગુરૂવારથી સોમવાર સુધી વાદળિયા વાતાવરણના કારણે ગરમીથી થોડી રાહત મળી શકે છે. જોકે અસહ્ય બફારાનું પ્રમાણ યથાવત રહેવાનો અંદાજ છે. મંગળવારે અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.

Continues below advertisement

ભારતમાં આ વખતે એક સપ્તાહ વહેલા ચોમાસુ બેસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. નૈઋત્યનો વરસાદ એક જ સપ્તાહમાં કેરળથી મુંબઈ સુધી પહોંચી ગયો હતો. પરંતુ પછી અચાનક વાતાવરણે પલટો મારતા હાલ ઉત્તર ભારત આગ ઝરતી ગરમીમાં તપી રહ્યું છે. ચોમાસુ નજીક છે તેવા સમયે પણ માત્ર રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણામાં જ નહીં હિમાચ્છાદિત પર્વતોવાળા શ્રીનગરમાં પણ લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઈ ગયા છે.

દિલ્હીમાં લોકોને 47 ડિગ્રી જેટલી ગરમીનો અનુભવ થયો હતો. હજુ કેટલાક દિવસ સુધી લોકોને આ હીટવેવથી છૂટકારો નહીં મળે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીએ સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. મંગળવારના દિલ્લીમાં 45.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં સોમવાર સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો, જેને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.