Ahmedabad plane crash: અમદાવાદમાં વિમાન દુર્ઘટના થવા પાછળના અંબાલાલ પટેલે આપ્યા કારણો, જાણો શું કહ્યું
Ambalal Patel prediction: 12 જૂનના અંગારક યોગ, ભારત-અમદાવાદની રાશિ અને ચંદ્ર-શુક્રની સ્થિતિએ દુર્ઘટના સર્જી હોવાનો દાવો.

Ahmedabad plane crash: પહેલગામ આતંકી હુમલા પહેલા દેશની સરહદ સુરક્ષિત કરવાની વાત કરનાર જાણીતા જ્યોતિષી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટના પાછળના જ્યોતિષીય કારણો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે, 12 જૂનના રોજ બનેલા અંગારક યોગ અને દેશ, રાજ્ય તથા અમદાવાદની રાશિના ગ્રહયોગોના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.
ગ્રહયોગો અને રાશિઓની છણાવટ
અંબાલાલ પટેલે પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા કહ્યું કે, વૃષભ લગ્નમાં ભારતના હૃદય સમાન ચોથા ભાવમાં અંગારક યોગ બન્યો હતો. આ ઉપરાંત, ભારતની રાશિ મકર છે, અને તેના સામૂહિક સંહાર સ્થાન એવા આઠમા ભાવમાં અંગારક યોગ હતો. અમદાવાદના લગ્ન વૃશ્ચિક છે, અને તેના હૃદય સમાન ચોથા સ્થાનમાં રાહુ તથા દસમા સ્થાનમાં મંગળ-કેતુનો અંગારક યોગ હતો.
ચંદ્ર, શુક્ર અને ગુરુની ભૂમિકા
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, પૂનમ આસપાસ ચંદ્રના અન્ય ગ્રહો સાથેના યોગો પણ ઘટના સૂચક હતા. પૂનમે ભરતી અને ઓટ આવે છે, જે માનવીના મન ઉપર અસર કરે છે, અને તે સમયે ચંદ્ર પીડિત હતો, જેની અસર પણ ચેતાતંત્ર પર થાય છે. જ્યોતિષીય ગણના અનુસાર, ભરણી નક્ષત્રમાં શુક્ર યમના દ્વારે હતો, અને ગુરુ આદ્રા શિવના સંહારક યોગમાં 12 જૂન પછી જઈ રહ્યો હતો.
અંબાલાલ પટેલે આ તમામ જ્યોતિષીય યોગોને આ દુર્ઘટના પાછળના મુખ્ય કારણો ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, "આવા યોગોના કારણે અને અમદાવાદની ધરતી પોકારતી હોવાના કારણે આ દુર્ઘટના બની." તેમના મતે, ગ્રહોની આ સ્થિતિએ જ આ અનિચ્છનીય ઘટનાને જન્મ આપ્યો છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના બોઇંગ કંપનીના 787 ડ્રીમલાઇનર વિમાન સાથે સંકળાયેલી સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંની એક બની છે. અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગનું આ સૌથી આધુનિક વાઇડબોડી એરલાઇનર હતું. એર ઇન્ડિયાનું આ દુર્ભાગ્યપૂર્ણ વિમાન ફક્ત 12 વર્ષ જૂનું હતું અને અકસ્માતના થોડા કલાકો પહેલા જ દિલ્હીથી મુસાફરો સાથે અમદાવાદ પહોંચ્યું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 242 લોકો સવાર હતા.
અમદાવાદ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભર્યાના થોડી જ મિનિટો પછી, વિમાન ઝડપથી નીચે પડવા લાગ્યું અને એક રહેણાંક વિસ્તારમાં ધડાકાભેર ક્રેશ થયા પછી એક વિશાળ અગનગોળામાં ફેરવાઈ ગયું. આ ગોઝારી દુર્ઘટનામાં કુલ 270 લોકોના કરુણ મોત થયા. આ આંકડામાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત, તે ઇમારતમાં હાજર લોકોનો પણ સમાવેશ થાય છે જેની સાથે વિમાન અથડાયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે અને વિમાન સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બોઇંગ 787 ડ્રીમલાઇનર માટે આ એક કમનસીબ ઘટના છે, કારણ કે તેને તેની અત્યાધુનિક ટેકનોલોજી માટે જાણીતું માનવામાં આવે છે. આ દુર્ઘટનાના કારણો જાણવા માટે વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.




















