Gujarat Weather: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ સર્જાશે.
દક્ષિણ ગુજરાતમાં પૂર જેવો વરસાદઆગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને, નવસારી, સુરત, ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં તો પૂર જેવો વરસાદ આવે તેવી પણ શક્યતા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ અસરવરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી. દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીરના ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે.
મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ જોવા મળશે. જેમાં વડોદરા, આણંદ, અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા અને કડી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવેમ્બર-ડિસેમ્બરમાં પણ વરસાદી માહોલ
અંબાલાલ પટેલની આગાહી લાંબા ગાળાની છે, જે મુજબ નવેમ્બર મહિનાના શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.
નવેમ્બરનું પ્રથમ સપ્તાહ: બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે, જેના કારણે અરબી સમુદ્ર ફરી સક્રિય થશે અને ગુજરાતના હવામાનમાં પલટો આવશે.
નવેમ્બરનું બીજું સપ્તાહ: આ સમયગાળામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ડિસેમ્બર સુધી માવઠું: 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર ચક્રવાત થવાની શક્યતાને કારણે 15મી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
શિયાળામાં રેકોર્ડબ્રેક ઠંડીકમોસમી વરસાદની આગાહી વચ્ચે, આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળશે અને 14 જાન્યુઆરી બાદ પણ ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગનું નાવ કાસ્ટ
આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.