અમદાવાદઃ કોંગ્રેસે મહાનગરપાલિકામાં પસંદ કરેલા ઉમેદવારો સામે જોરદાર અસંતોષ છે ત્યારે  ગુજરાત પ્રદેશે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે કે, 20 લાખમાં ટિકિટોનો સોદો કરાયો છે. અમદાવાદમાં ઇન્ડિયા કોલોનીમાં છેલ્લી ઘડીએ ટિકિટ કપાતાં ગુજરાત પ્રદેશે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે આકરા તેવર બતાવીને કોંગ્રેસના નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા છે.

સોનલ પટેલે એવુ પણ કહ્યુ કે, નેતાઓના ઝભ્ભા પકડીને ફરતી સ્વરૂપવાન યુવતીઓ અને રૂપલલનાને ટિકીટો આપી દેવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે,  કોંગ્રેસ સોનલ પટેલ સામે શિસ્તભંગનાં પગલાં ભરે તેવી શક્યતા છે.

સોનલ પટેલે આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય શૈલેષ પરમારના અંગત માણસે મને ફોન કરીને ચૂંટણીની તૈયારીની વિગતો માગી હતી. એ વખતે મેં 10 લાખ રૂપિયા ખર્ચવાની તૈયારી દર્શાવી હતી. મને ટિકિટ ન અપાઇ એટલે એનો મતલબ કે રૂપિયા 20 લાખમાં ટિકિટનો સોદો થયો હશે.



તેમણે આક્ષેપ કર્યો કે, 5 ફેબ્રુઆરીએ મારી પાસે ચૂંટણીકાર્ડ સહિતના દસ્તાવેજો મંગાવાયા હતાં.6 ફેબ્રુઆરીએ  સવારે શહેર પ્રમુખ શશિકાંત પટેલના પી.એ.એ ફોન કર્યો હતો કે,તમે સુભાષબ્રિજ પહોંચો. તમને મેન્ડેટ મળી જશે. હું મારા સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચી હતી પણ ત્રણ વાગ્યા સુધી મેન્ડેટ ન મળતાં હું નિરાશ થઇને ઘેર પાછી ફરી હતી. આમ ,કોંગ્રેસના નેતાઓ મારૂ અપમાન કર્યુ હતું. આ અગાઉની ચૂંટણીમાં ય મને આવો જ કડવો અનુભવ થયેલો છે.