અમદાવાદઃ દિવાળી પછી કોરોનાએ અમદાવાદ શહેરમાં ઉથલો માર્યો છે. શહેરમાં કોરોનાના કેસોનો તો રાફડો ફાટ્યો છે. આ સાથે સાથે મૃત્યુઆંક પણ એકદમ વધી જતાં સરકાર ચિંતિત બની છે. છેલ્લા 4 જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 38 લોકોના મોત થયા છે. કોરોનાને કાબૂમાં લેવા અમદાવાદ કોર્પોરેશને ગઈ કાલે કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાની જાહેરાત કર્યા પછી વધુ એક મોટો નિર્ણય લીધો છે.


અનલોકમાં અમદાવાદ શહેરમાં બાગ-બગીચા ખોલી દેવામાં આવ્યા છે. જોકે, કોરોનાએ ફરીથી ઉથલો મારતાં અમદાવાદ કોર્પોરેશને બાગ-બગીચાને લઈને નિર્ણય લીધો છે. શહેરના બાગ-બગીચાઓ હવે સવાર-સાંજ માત્ર 2-2 કલાક જ ખુલ્લા રહેશે. સવારે 7થી 9 વાગ્યા સુધી અને સાંજે 5થી7 વાગ્યા સુધી જ બગીચા ખુલ્લા રહેશે. શહેરમાં અંદાજે 250થી વધુ બાગ-બગીચા છે.