દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા તેમની પાર્ટીના કાર્યકરોની મોટા પાયે ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી રહી છે.

 

કેજરીવાલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 160 થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આગળ પણ દસ હજારથી વધુ લોકોની ધરપકડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ તમામ બાબતોને લઈને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મળવા માટેનો સમય માંગ્યો છે.

આપની વધતી લોકપ્રિયતાથી ભાજપ ગભરાઈ ગયું છે - કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે એમ પણ લખ્યું છે કે, આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી ભાજપ ખરાબ રીતે ગભરાઈ ગયું છે. કેજરીવાલે કહ્યું કે, આ પ્રકારની ધરપકડો અને કથિત ‘ગુંડાગીરી’ને ગુજરાતની જનતા સ્વીકારશે નહીં અને આવનારા સમયમાં લોકો તેનો જવાબ આપશે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ આ સમગ્ર મામલે મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત કરવા માંગે છે અને પોતાની પાર્ટીના કાર્યકરોની સ્થિતિ તેમની સામે રાખવા માંગે છે.                

આક્ષેપો બાદ રાજકીય માહોલ ગરમાયો                 

આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપો બાદ રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ, આ આરોપો પર અત્યાર સુધી સરકાર કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ મુદ્દાને લઈને રાજ્યના રાજકારણમાં તણાવ વધતો જણાય છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઘેરો બનવાની શક્યતા છે.