જંકફુડ ખાતા પહેલા અમદાવાદીઓએ સાવધાન થઈ જજો. તમને ખબર પણ નથી કે તમે કેવું કેવું ખરાબ ફુડ આરોગી રહ્યા છો જે તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. અમદાવાદમાં આઠ ઝોનમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. તો રાજકોટમાં પણ મનપાની ટીમે નમુના લીધા હતા.
અમદાવાદમાં આરોગ્ય વિભાગે શહેરના તમામ 8 ઝોનમાં દરોડા પાડ્યા હતા. ચોમાસામાં રોગચાળા વધવાની ભીતીએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાણી પીણીની બજાર અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદ દરમિયાન ખાદ્ય એકમો સામે ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વસ્ત્રાપુર તળાવ સામે લા પીનો પીઝા સેન્ટરમાં ગંદકી જોવા મળી હતી. આ ગંદકીને જોતા આરોગ્ય વિભાગ દ્વારા 10000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
એટલું જ નહીં ઇસ્કોન ગાંઠિયા, લા પીનો પીઝામાં બંને સ્થળે તપાસ હાથ ધરાઈ હતી. ઇસ્કોન ગાંઠિયા રથમાંથી તેલના નમુના એકત્ર કરવામાં આવ્યા હતા. બંને સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. લા પીનો પિત્ઝા સેન્ટરના કિચનમાં વેસ્ટનો યોગ્ય નિકાલ ન હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પહેલા અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશને લાલ આંખ કરી છે, શહેરમાં ગંદગી ના ફેલાય તે માટે એક્શન લેવાનું શરૂ કરી દીધુ છે. એએમસીએ અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ પર ગંદકી કરતાં સાત એકમોને સીલ મારી દીધા છે. આજે એએમસીએ થલતેજ વિસ્તારમાં વાડીલાલ હેપીનેસ, હટકે વડાપાઉં એકમને સીલ કર્યા છે, આ સાથે જ થલતેજમાં આવેલા તુલસી માર્કેટિંગ અને ખોડિયાર રેસ્ટૉરન્ટને પણ સીલ કરાયા છે. એએમસીએ આ ઉપરાંત ચાંદલોડિયા વિસ્તારના આવેલી ચામુંડા ફ્લૉર ફેકટરી અને ટી સ્ટૉલ નામના એકમ પણ સીલ કરી દીધુ છે. આ તમામ એકમો સામે ગંદકી કરવાની ફરિયાદ છે. AMCએ શહેરમાં આ સિવાય 11 એકમ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો પણ કબજે કર્યો છે.