દાણી લીમડાના બાબુલનગરમાં રહેતા રાહુલ શશીકાંત રાઠોડ (ઉ.વ.૨૬) તેમજ ધવલ વિષ્ણુભાઈ ઉર્ફે ફૂલવડી ભાર્ગવ ભીખાભાઈ તેમજ અન્ય બે શખસો સાથે મિત્રતા હતી. રાહુલની ગર્લફ્રેન્ડ સાથે ધવલ તેમજ ભાર્ગવ વાતચીત કરતા હોવાનો રાહુલને શક વહેમ હતો. તેને લઈ ગઈ કાલે સવારે રાહુલને બંને મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
બંનેના પરિવારજનો બપોરે મળ્યા બાદ છુટા પડ્યા હતા. બપોરે બે વાગ્યે ફરીથી રાહુલ ભાર્ગવ અને ધવલ દાણી લીમડા મંગલ વિકાસ ચોક પાસે મળ્યા હતા. જ્યાં અન્ય ચાર શખ્સો અને ધવલે ભેગા મળી રાહુલને ઢોર માર માર્યો હતો. બાદમાં રાહુલને સ્કૂટર પર બેસાડી ધવલ તેમજ ભાર્ગવ તેને આંબેડકર બ્રિજ લઈ ગયા હતા. જ્યાં બોલાચાલી બાદ નદી પરથી ફેંકી દીધો હતો.
પાલડી પી.આઈ. એ.જી. ગોહિલે જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા સંદર્ભે બોલાચાલી અને ઝઘડા બાદ આરોપીઓએ તેને નદીમાં ફેંકી દીધો હતો. હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ પરિવારજનો આક્ષેપ કર્યા છે કે રાજન દિનેશભાઈ નામનો યુવક જે પોલીસ પુત્ર છે. તેના પિતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તે પણ આ કેસમાં સંડોવાયેલો છે. પરંતુ તેની પોલીસે ધરપકડ કરી નથી. જેથી બધા આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં.