FilmStar Bike Stunt: અમદાવાદમાં ‘મિસરી’ ફિલ્મના ફિલ્મસ્ટારોના જોખમી બાઇક સ્ટંટ, પોલીસમાં ફરિયાદ દાખલ
Film Star Bike Stunt: સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યા બાદ અભિનેતા ટિકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા

Gujarati Film Star Bike Stunt In Ahmedabad: અમદાવાદમાં એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, નવી આવી રહેલી ગુજરાતી ફિલ્મ 'મિસરી'ના ફિલ્મસ્ટારોએ જોખમી બાઇક સ્ટન્ટ કર્યા છે. આ સમગ્ર મામલામાં પોલીસે 'મિસરી' કાસ્ટની સામે પોલીસ ફરિયાદ પણ નોંધી છે. ગુજરાતી ફિલ્મ 'મિસરી'ની સ્ટારકાસ્ટ અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ અને જાણીતા અભિનેતા ટીકુ તલસાણિયા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના જાહેર રસ્તા પર બાઈક સ્ટંટ કરવાના મામલે વિવાદમાં ફસાયા છે. આ ખતરનાક અને બેજવાબદાર સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ અમદાવાદ પોલીસે આખરે કાર્યવાહી કરી છે.
સોશ્યલ મીડિયા પર જોખમી બાઇક સ્ટન્ટનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. કલાકારો દ્વારા જાહેર રસ્તા પર જીવ જોખમમાં મૂકીને કરવામાં આવેલા આ બાઈક સ્ટંટના વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ટીકા જગાવી હતી. જોકે, વીડિયો વાઈરલ થયાના સમય બાદ પણ તુરંત પોલીસ કાર્યવાહી ન થતાં લોકોએ સોશિયલ મીડિયા પર પોલીસની ઢીલી નીતિ અને બેદરકારી પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું. લોકોના આ દબાણ અને સવાલો બાદ જ અમદાવાદ પોલીસ હવે હરકતમાં આવી હતી. ટ્રાફિક પોલીસે વાઈરલ વીડિયોના આધારે સ્ટંટ કરતા વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યા બાદ અભિનેતા ટિકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસ સમન્સ બાદ બંનેની અહીં પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને અભિનેતાના નિવેદન નોંધી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવશે. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ હતી કે એક્ટ્રેસ માનસી પારેખ હેલ્મેટ પહેર્યા વગર ચાલુ બાઇકની પાછળ ઊભા થઈને સ્ટંટ કરી રહી હતી. તેમની સાથે અભિનેતા ટીકુ તલસાણિયા અને અભિનેતા રોનક પણ બાઇક પર સ્ટંટ કરતા દેખાયા હતા.





















