અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે રવિવારની વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાની લ્હાયમાં બેકાબૂ બનેલી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે.

ઓવરટેક કરતા સર્જાયો કાળમુખો અકસ્માત18 જાન્યુઆરી રવિવારના રોજ વહેલી સવારે સરખેજથી ગાંધીનગર તરફ જઈ રહેલી એક ફોર્ચ્યુનર કાર (GJ 18 EF 9) પૂરઝડપે દોડી રહી હતી. વૈષ્ણોદેવી બ્રિજના છેડે કારના ચાલકે આગળ જતી એક કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી ગઈ હતી અને હિંમતનગરથી રાજકોટ જઈ રહેલી એસટી બસ સાથે જોરદાર રીતે ટકરાઈ હતી.

ફોર્ચ્યુનર બસ સાથે અથડાયા બાદ પાછળથી આવી રહેલી એક બ્રેઝા કાર પણ બસ સાથે ભટકાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ફોર્ચ્યુનર કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને રસ્તા પર ગાડીના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. એસટી બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને ડિવાઈડર પર ચઢાવી દીધી હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

આ અકસ્માતમાં કુલ એક યુવકનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે

ફોર્ચ્યુનર કાર ચલાવી રહેલા ધવલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તે ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી અને વકીલ આઈ. બી. વાઘેલાનો પુત્ર છે. જ્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર દેવાંશી યોગેશ પંડ્યા (ઉં.વ. 21)ને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ઈજાગ્રસ્તોમાં અફસાનાબાનુ ખલીફા (23) અને રસુલભાઈ આજમ (32) ને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. એસટી બસના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે.

અકસ્માત બાદ સર્જાયો  ટ્રાફિક જામઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર અડધો રસ્તો બંધ થઈ જતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં પણ કારની સ્પીડ અને અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.