Air India Plane Crash: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના પણ મોત થયા છે. અકસ્માત બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના મેસ પર પડ્યું હતું જેમાં મેડિકલના ચાર વિદ્યાર્થી સહિત 7ના મોત થયા હતા. દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનો મોટો હિસ્સો અતુલ્ય હોસ્ટેલની મેસ પર પડ્યો હતો.
વિમાન દુર્ઘટનામાં એક સિવાય મોટાભાગના યાત્રી અને ક્રુ મેમ્બરના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાના કારણે સિવિલ હોસ્પિટલની મેસમાં મોટી જાનહાનિ થઇ હતી. અતુલ્ય હોસ્ટેલની મેસમાં મેડિકલના ચાર વિદ્યાર્થી અને તબીબના પત્ની સહિત 7ના મોત થયા હતા. અતુલ્ય હોસ્ટેલમાં વિમાનનો કાટમાળ હટાવતા 25થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત હોસ્ટેલના પાંચ વિદ્યાર્થીઓને કેડી અને ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા. ટેક ઓફની એક જ મીનિટમાં એન્જિન બ્લોક થતા બ્લાસ્ટ થયાની શક્યતા છે. બોઈંગ 787 ડ્રીમ લાઈનરના બ્લેક બોક્સની શોધખોળ શરૂ કરાઇ હતી. હજુ સુધી વિમાનના બ્લેક બોક્સ મળી આવ્યું નથી.
ડીએનએથી થશે ઓળખ
દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારજનોના DNAના સેમ્પલ લેવાયા હતા. દુર્ઘટનામાં ભોગ બનેલા યાત્રી સહિતના લોકોના મૃતદેહને ઓળખવા મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરાઇ રહ્યા છે. DNA ટેસ્ટના રિપોર્ટ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાશે. વિમાન દુર્ઘટનામાં સુરત અને સંઘ પ્રદેશ દીવ દમણના 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનામાં વિસનગરના પાંચ વ્યકિતએ જીવ ગુમાવ્યો છે. તે સિવાય પાલનપુર અને ધાનેરાના થાવર દંપતિનું મોત થયું છે. દુર્ઘટનામાં કચ્છ, સૌરાષ્ટ્રના 28 મુસાફરોના પણ મોત થયા હતા. દીવના 15 મુસાફરમાંથી એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો.
પ્લેન ટકરાતા 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મોડીરાત્રે સાડા દસ વાગ્યે કાટમાળમાંથી એકનો મૃતદેહ મળ્યો હતો. ક્રેશ થયેલા વિમાનના એન્જિનમાં છ મહિનામાં બે વાર ખામી સર્જાયાના અહેવાલ છે. મૃતકોના પરિવારને એક કરોડ રૂપિયાના વળતરની એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી.
અમિત શાહે દુર્ઘટનાની ભયાવહતા સમજાવતા કહ્યું કે, "વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ હતું. આગ એટલી ઝડપથી લાગી કે બચાવનો કોઈ મોકો જ નહોતો મળ્યો." આ કારણે મૃત્યુઆંક વધુ હોવાની આશંકા છે.