અમદાવાદઃ બોલીવુડના ભાઈજાન અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સલમાન ખાને અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની 20 મિનિટ સુધી મુલાકાત દરમિયાન તેમણે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ચરખો પણ કાંત્યો હતો. ફિલ્મ અંતિમના પ્રમોશન માટે ભાઈજાન અમદાવાદની મુલાકાતે આવ્યા છે. કોરોના કાળ બાદ પ્રથમવાર સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત મુલાકાતે આવ્યા છે. 


સલમાન ખાને વિઝીટર બુકમાં પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે ,આ જગ્યાએ આવીને મને ખુબ આનંદ થયો, અહીંયા આવીને પહેલી વખત રેટિયો ચલાવીને મને જે ખુશી થઈ છે તે ક્યારેય નહીં ભૂલું. ફરીવાર આશ્રમ આવવાની ઈચ્છા છે. ​ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલ સલમાન ખાન ગાંધી આશ્રમથી હોટલ હયાત ખાતે જવા રવાના થયા હતા. 4 વાગે PVR સિનેમામાં દર્શકો પાસે મુવીના પ્રમોશન માટે જશે જે બાદ મુંબઇ જવા રવાના થશે.


ગાંધી આશ્રમે સલામાન ખાન આવી પહોંચતા તેમની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. સલમાનના ફોટો પાડવામાં તથા તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી.


સલમાન ખાન અને આયુષ શર્માની આ ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' એક મરાઠી ફિલ્મ 'મુળશી પેટર્ન'ની રિમેક છે. તેમજ આ ફિલ્મથી ગુજરાતી એક્ટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યં છે. આ ફિલ્મ નાના શહેરના યુવક રાહુલ (આયુષ શર્મા)ની કહાની છે, જે પૂનાનો ખતરનાક ભૂ-માફિયાઓ પૈકીનો એક બની જાય છે. તે ઘણાં દુશ્મનો બનાવે છે અને કાયદો તોડે છે. ત્યારે તેની સામે ઈન્સ્પેક્ટર રાજવીર સિંહ (સલમાન ખાન) અડચણરૂપ બને છે જે શહેરનો સંપૂર્ણ ક્રાઈમ ખતમ કરવા માગે છે.


ફિલ્મનું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે જેણે ગેંગસ્ટરની કહાની માટેનું સ્ટેજ તૈયાર કર્યું છે. અંતિમ મનોરંજક ફિલ્મ છે. ફિલ્મમાં એક્શન કરતા વધારે ડાયલોગબાજી છે, જે કહાનીમાં અડચણરૂપ જોવા મળી રહી છે. ઈન્ટરવલ પહેલા મોટા પ્લોટ ટ્વિસ્ટ છે જે ઈન્ટરવલ પછી તમામ પાત્રો માટેની ગતિ બનાવી રાખવામાં મદદ કરે છે. મહેશ માંજરેકરે ખૂબ હોશિયારીપૂર્વક ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઈ રહેલા સતત વિકાસને સારી રીતે દર્શાવ્યો છે. પોપ્યુલર મરાઠી એક્ટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે. છતાં ફિલ્મમાં એક જેવા સંઘર્ષને વારંવાર દેખાડાયા છે. સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છે.


ફિલ્મમાં સલમાન ખાન પોલીસના અવતારમાં છે અને નીડર સરદારની ભૂમિકામાં છે. સલમાનને પોતાનો શર્ટ ફાડીને ગુંડાઓને મારતો બતાવાયો છે. ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાણાની લવ કેમેસ્ટ્રી ખૂબ કંટાળાજનક છે. આ ફિલ્મથી એક્ટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યું છે. આયુષ શર્મા મજબૂત બોડી સાથે જોવા મળી રહ્યો છે અને સલમાન ખાન સાથે બોન્ડિંગ બનાવવાના પ્રયાસ કરે છે.