Demolition: 60 JCB અને 60 ડમ્પર સાથે ચંડોળામાં મેગા ડિમૉલિશન, ઠેર-ઠેર તૈનાત કરાયા 2000થી વધુ પોલીસકર્મી
Ahmedabad Chandola Lake Demolition: મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે

Ahmedabad Chandola Lake Demolition: ગુજરાત સરકારે આજે સવારથી જ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બૂલડૉઝર એક્શન શરૂ કરી દીધી છે. અહીં મોટાપાયે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની ઝૂંપડપટ્ટીઓને તોડી પાડવામાં આવી રહી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમૉલિશનમાં એએમસીએ પહેલાથી જ પ્લાન તૈયાર કરી દીધો હતો. માહિતી પ્રમાણે, ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરીમાં એએમસીએ 60 JCB અને 60 ડમ્પરને કામ લગાવ્યા છે, એટલું જ નહીં કોઇ અઘટીત ઘટના ના બને તે માટે 2000થી વધુનો પોલીસ કાફલો પણ ઠેર ઠેર તૈનાત કરવામાં આવ્યો છે.
રાજ્યમાં પહેલાથી જ સુરત, કચ્છ, દ્વારકા અને રાજકોટ અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પોલીસ અને AMCનું અત્યાર સુધીની સૌથી મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અહીંથી પહેલા ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઝડપી લેવામાં આવ્યા બાદ હવે અહીં ઓપરેશન ક્લિન ચંડોળા હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર સ્ટ્રાઈક કરવામાં આવી છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમૉલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અધિકારીઓ દ્વારા ડિમોલેશન સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મકાનોના તાળા તોડીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઘુસણખોરોના મકાનોમાં ડિમૉલેશન પહેલા શંકાસ્પદ વસ્તુઓને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. વિસ્તારમાં 60 JCB અને 60 ડમ્પર સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધર્મ આવી છે. અહીં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે જ AMCની હેલ્થની ટીમ પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
જાણો ચંડોળા તળાવ વિસ્તાર વિશે
અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર 1200 હેક્ટર જમીન પર ફેલાયેલો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસ્લિમો વર્ષોથી રહે છે. આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે. ચંડોળા તળાવ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદતી રહે છે. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી છે કે સાઈકલ પણ ન જઈ શકે.





















