ગાંધીનગરઃ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કરાયેલી અરજી પર હાઈકોર્ટે તેમને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી મુક્ત થયા બાદ સાત દિવસ સુધી આ રાહત રહેશે. જોકે, આ સમયગાળા દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં અને વિધાનસભાના સત્રમાં ફરજિયાત હાજરી આપવી પડશે. ચૈતર વસાવાએ વિધાનસભાના ચોમાસુ સત્રમાં પોતાના વિસ્તારના જનપ્રશ્નો રજૂ કરવા માટે જામીનની માંગ કરી હતી, જેને સ્વીકારીને કોર્ટે શરતી મંજૂરી આપી છે.

Continues below advertisement

 

Continues below advertisement

ચૈતર વસાવા હાલમાં વનકર્મીઓ સાથે થયેલા વિવાદ અને હુમલાના કેસમાં સજા ભોગવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ આઠ લોકોને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજા બાદ પણ તેમનું ધારાસભ્ય પદ યથાવત છે. સામે આવેલી વિગતો અનુસાર ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવા સરકારમાંથી અધ્યક્ષને દરખાસ્ત કરાઈ નથી. તેથી તેમના સભ્યપદ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો...અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

ચૈતર વસાવા ગાંધીનગરની બહાર જઈ શકશે નહીં

હાઈકોર્ટે જામીન મંજૂર કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ મૂકી છે. જામીનના સમયગાળા દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગરની બહાર જઈ શકશે નહીં. આ ઉપરાંત, તેઓ વિધાનસભાના ચોમાસુ સત્રની સંપૂર્ણ કાર્યવાહીમાં હાજર રહેશે. તેમને કોઈ રાજકીય પ્રવૃત્તિમાં જોડાવા અને મીડિયા સાથે વાતચીત કરવા પર પણ રોક લગાવવામાં આવી છે. ખાસ કરીને કોર્ટે ચૈતર વસાવાના મીડિયા ઈન્ટરવ્યૂ અંગે સ્પષ્ટ ટકોર કરી છે.

શું હતો સમગ્ર મામલો?

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વન વિભાગની જમીન પર આદિવાસી ખેડૂતો દ્વારા થઈ રહેલા ખેડાણને વન વિભાગના અધિકારીઓએ અટકાવ્યું હતું. આ મુદ્દે ચર્ચા કરવા ચૈતર વસાવાએ વનકર્મીઓને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. બેઠક દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. વન વિભાગે મારપીટ, ખંડણીની માગ અને હવામાં ફાયરિંગના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાઈકોર્ટના નિર્ણયથી ચૈતર વસાવાને હાલ પૂરતી રાહત મળી છે અને તેઓ ચોમાસુ સત્રમાં હાજરી આપી શકશે.