અમદાવાદમાં સ્કૂલના ચોથા માળેથી વિદ્યાર્થિનીએ ઝંપલાવ્યું હતું. મળતી જાણકારી અનુસાર શહેરની સોમ લલિત સ્કૂલમાં ગઈકાલે ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. આજે સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયું હતું.
અમદાવાદના નવરંગપુરાની સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી નીચે કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો તે સમયના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થિની હાથમાં કિ-ચેઈન ફેરવતા ફેરવતા લોબીમાં આંટા મારે છે અને ઓચિંતા જ છલાંગ લગાવી દે છે. આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ પાસે સમગ્ર મામલે રિપોર્ટ તેમજ સીસીટીવી ફુટેજ પણ મંગાવ્યા છે. જેના આધારે પણ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
વિદ્યાર્થિની બીમાર હોવાની આશંકા છે. કારણ કે 15 દિવસ પૂર્વે જ એક મહિનાની રજા બાદ છેલ્લા થોડા સમયથી વિદ્યાર્થિની ફરી સ્કૂલે આવી હતી. ગુરૂવારના કૂદતા પહેલા ક્લાસરૂમની બહાર પિલ્લર પર વિદ્યાર્થિનીએ માથું પછાડી ચીસો પાડી હતી. ત્યારબાદ બપોરે 12 વાગ્યેને 27 મીનિટે સ્કૂલના ચોથા માળની બાલ્કનીની રેલિંગ કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં આજે સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું. આત્મહત્યા પાછળનું હજુ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. વિદ્યાર્થિનીએ ક્યા કારણસર આ પગલુ ભર્યુ? તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હજુસુધી કોઇ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પોલીસ સગીરાના સોશિયલ મિડીયા એકાઉન્ટ અને તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓની પૂછપરછ કરશે.
નોંધનીય છે કે અમદાવાદના લૉ ગાર્ડન પાસે આવેલ શાળાની ગુમ બે વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી આવી હતી. હાલ મુંબઈમા થાણે ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં બંને છોકરીઓને રાખવામાં આવી છે. અમદાવાદ પોલીસની ટીમ છોકરીઓને પરત લાવવા રવાના થઈ હતી. વિદ્યાર્થીનીઓ સવારે શાળાએ પહોંચી અચાનક ગુમ થઈ ગઈ હતી. બંન્ને વિદ્યાર્થીનીઓ સમર્થ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી વાલીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.