Cyclone Biparjoy: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાથી અસર પામેલા ગામોના અસરગ્રસ્ત લોકોને નિયમાનુસારની કેશડોલ્સ આગામી ત્રણ દિવસમાં ચૂકવી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ વાવાઝોડાને પરિણામે રાજ્યમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં ઊભી થયેલી સ્થિતિની વિસ્તૃત વિગતો સંબંધિત જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને મેળવી હતી.


 






મુખ્યમંત્રીએ શુક્રવારે સાંજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજપુરવઠો,પાણી,રોડ-રસ્તા પૂર્વવત કરવા તેમ જ ઝાડ-વૃક્ષો પડી જવાને કારણે માર્ગો પર થયેલો આડશો દૂર કરવા પણ તાકીદ કરી હતી. એટલું જ નહીં, પશુઓના મૃત્યુના કિસ્સામાં નિયમાનુસાર સહાય સમયસર ચૂકવાઈ જાય અને અન્ય નુકસાનીનો સર્વે ત્વરાએ શરૂ થાય તેવી સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી હતી.


રાજ્યના મહેસુલ વિભાગે કેશડોલ્સની ચૂકવણી રોકડમાં કરવા અંગે કરેલા ઠરાવમાં જણાવાયું છે કે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના જે લોકોનું અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તેવા લોકોમાં પુખ્તવયની વ્યક્તિને રૂપિયા ૧૦૦ પ્રતિદિન અને બાળકદીઠ રૂપિયા ૬૦ પ્રતિદિનની સહાય મહત્તમ પાંચ દિવસ માટે ચૂકવવામાં આવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાવાઝોડાની આફતની ન્યુનત્તમ અસરો થઈ છે તે માટે તંત્રવાહકો,એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., કેન્દ્રિય એજન્સીઓ તથા રાજ્ય સરકારના કર્મયોગીઓની દિનરાતની મહેનત અને સમયસરના આગોતરા આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ બેઠકમાં જિલ્લાવાર પ્રાથમિક નુકસાનીના અંદાજો મેળવ્યા હતા અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાહત-સ્થાનોમાં આશ્રય લઈ રહેલા લોકોને કેશડોલ્સ અને અન્ય સહાય સમયસર ચૂકવાઈ જાય તેના પર ધ્યાન આપવું જરૂરી છે.


એટલું જ નહીં, કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલા અંશતઃ નુકસાન કે સંપૂર્ણ નાશ પામવાના કિસ્સામાં પણ સર્વે ત્વરાએ હાથ ધરવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ સંદર્ભની વિગતો આપતા બેઠકમાં જણાવ્યું કે અસરગ્રસ્ત ૮ જિલ્લાઓમાં કુલ આશરે ૭૧૯ કાચા-પાકા મકાનોને અંશતઃ નુકસાન થયું છે કે સંપૂર્ણ નાશ પામ્યા છે, તેવા પ્રાથમિક અહેવાલો મળેલા છે. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં વીજ-પુરવઠાને વિપરિત અસર પડી છે,તેમાં ત્વરાએ પૂર્વવત કરવા ઊર્જા વિભાગની વધુ ટીમો કાર્યરત કરવા સૂચના આપી હતી.


તેમણે કહ્યું કે જે વીજપોલ કે ટ્રાન્સફોર્મર્સને ક્ષતિ પહોંચી ત્યાં પૂર્વવત કરવા માટે પાણી-પુરવઠા,રહેણાક મકાનો અને કમ્યુનિકેશન સાથે સંકળાયેલા વીજપોલ,ટ્રાન્સફોર્મર્સને અગ્રતા અપાશે. મુખ્યમંત્રીએ વાવાઝોડાને પરિણામે વૃક્ષો પડી ગયા છે તેની સામે સૌને સાથે મળીને બમણાં વૃક્ષો વાવી વધુ ગ્રીન કવર કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમારે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરતા કહ્યું કે, હવે આપણું ફોકસ રિસ્ટોરેશન ઓફ સર્વિસીસનું હોવું જોઈએ.


તેમણે આ સંદર્ભમાં કહ્યું કે ગામો-નગરોમાં જ્યાં પાણી ભરાઈ રહ્યું હોય,ત્યાં સાફ-સફાઈ,રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ, રોગપ્રતિકારક દવાઓની વ્યવસ્થા પણ તાકીદે ગોઠવવી પડશે. તેમણે પરિસ્થિતિ ઝડપભેર પૂર્વવત થાય તે માટે આવશ્યક સેવાઓં ઝડપી રિસ્ટોરેશન થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.જરૂર જણાયે વધુ ટીમો પણ કાર્યરત કરવા તેમણે સૂચવ્યું હતું.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી પાટણ,બનાસકાંઠા જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે,તેને ધ્યાને લેતાં આ જિલ્લાઓના કલેક્ટરોને પણ આગોતરા આયોજન સાથે સજ્જ રહેવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં આપવામાં આવેલી વિગતો અનુસાર અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૫૩૬ વીજપોલની મરામત કરી દેવાઈ છે, ૪૪૯૦ ફિડર્સ પુનઃ કાર્યરત થઈ ગયા છે.વન વિભાગે પડી ગયેલા ૧૭૮૪ વૃક્ષો-આડશો દૂર કર્યા છે. ૩૭૦૦ કિ.મી.લંબાઈના માર્ગોને અસર પહોંચી હતી,તેમાંથી મોટાભાગના પૂર્વવત કરવાની કામગીરી કરાઈ છે.