‘નમસ્તે, ટ્રમ્પ’ કાર્યક્રમમાંથી બાદબાકી અંગે વિજય રૂપાણીએ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Feb 2020 10:55 AM (IST)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાંથી બાદબાકી કરાઈ હોવાના અહેવાલ પ્રકાશિત થયા છે
અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા ‘નમસ્તે, ટ્રમ્પ’ કાર્યક્રમ પહેલાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ રોડ શો કરવાના છે. દરમિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાંથી બાદબાકી કરાઈ હોવાના અહેવાલ પ્રકાશિત થયા છે. જોકે રૂપાણીએ આ વાતને ખોટી ગણાવી છે. રૂપાણીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર હાજર રહેશે. ટ્રમ્પને આવકારવા માટે યોજાયેલા રોડ-શોના યજમાન તેઓ પોતે અને ગુજરાત સરકાર છે. રૂપાણીએ કહ્યું કે ટ્રમ્પ અમેરિકાથી સીધા જ ગુજરાતની ધરતી પર આવીને ભારત પ્રવાસનો આરંભ કરવાના છે તે ઘટના સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવ રૂપ છે. અમેરિકા જેવા દેશના પ્રમુખ દિલ્હી ને બદલે સીધા અમદાવાદ આવે તે વાત ગુજરાતના વૈશ્વિક મહત્વને પ્રસ્થાપિત કરે છે.