ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો, ચાવડાએ કહ્યું- રાજીનામા કેમ લેવાયા તેનું કારણ આપો
Gujarat Cabinet Expansion: ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવા મંત્રીઓની શપથવિધિ માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ વચ્ચે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.

Gujarat Cabinet Expansion: ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવા મંત્રીઓની શપથવિધિ માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ મંત્રીમંડળના વિસ્તરણ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસની પ્રતિક્રિયા અને સવાલો:
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણના પગલે કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વિસ્તરણને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ખાસ કરીને મંત્રીમંડળમાંથી પડતા મુકાયેલા મંત્રીઓ અંગે પ્રશ્નો કર્યા છે.
અમિત ચાવડાએ સરકાર પાસે સ્પષ્ટતા માગતા કહ્યું કે, જેમનો મંત્રીમંડળમાં ફરી સમાવેશ ન કરાયો તેનું ચોક્કસ કારણ સરકાર જણાવે. અગાઉના મંત્રીઓના રાજીનામા કેમ લેવાયા તેનું પણ સરકાર કારણ આપે. ચાવડાએ બચુ ખાબડ જેવા મંત્રીના ભ્રષ્ટાચારનાં દાખલા લોકો સામે હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે આ વિસ્તરણને લઈને સરકારની નીતિ અને પડતા મુકાયેલા મંત્રીઓના પરફોર્મન્સ પર સવાલો ઉઠાવી, સરકાર પર પ્રહાર કર્યા છે.
મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓેએ આપ્યા રાજીનામા
ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નિવાસ સ્થાને મળેલી મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે. મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે.
ગુજરાતના મંત્રીઓએ આપેલા રાજીનામ રાજ્યપાલને સોંપવામાં આવશે. તમામના રાજીનામ તૈયાર હતા. મંત્રીઓએ રાજીનામામાં સહી કરી હતી. અન્ય કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. મંત્રીમંડળના તમામ સભ્યો છે. પક્ષના કહેવાથી તમામે રાજીનામા આપ્યા છે. સૌપ્રથમ રાજીનામું જગદીશ વિશ્વકર્માએ આપ્યું હતું.
શપથવિધિની તૈયારીઓ
મંત્રીમંડળના પદનામિત સભ્યોની સોગંદવિધિના કાર્યક્રમની નિમંત્રણ પત્રિકા પણ છપાઈ ગઈ છે. આ કાર્યક્રમ 17 ઑક્ટોબરના રોજ સવારે 11.30 વાગ્યે યોજાશે. સામાન્ય વહીવટ વિભાગે આ નિમંત્રણ પત્રિકા તૈયાર કરી છે, જેમાં નિમંત્રિતોને કાર્યક્રમ શરૂ થવાના 30 મિનિટ પહેલા બેઠક ગ્રહણ કરી લેવા જણાવાયું છે.
નવા મંત્રીમંડળના શપથ સમારોહ પહેલા શાહી ભોજનનું મેનૂ આવ્યું સામે
શપથ સમારોહને લઈને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જોરદાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શપથ સમારોહમાં આવનાર 10 હજાર જેટલા મહેમાનો માટે બેઠક વ્યવસ્થા અને ભોજનની જોગવાઈ કરવામાં આવી છે. મહેમાનો માટે શાહી મેનુ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ભોજન સમારંભના મેનુમાં ચુરમાના લાડુ, ફૂલવડી, બટાકા વટાણાનું શાક, વાલનું શાક, પુરી, ગુજરાતી દાળ-ભાત, ફ્રાયમ્સ અને છાશ જેવા પારંપરિક ગુજરાતી વ્યંજનો રાખવામાં આવ્યા છે.





















