અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં મોતના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 7 દિવસમાં અમદાવાદમાં કોરોનાથી કુલ 91 લોકોના મોત થયા છે. જે ગયા સપ્તાહે 145 હતા.
અમદાવાદમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે. 22મી જૂનથી 28મી જૂન દરમિયાન અમદાવાદમાં કુલ 1643 કેસ નોંધાયા છે. જે તેના અગાળના સપ્તાહે એટલે કે 15મી જૂનથી 21મી જૂન દરમિયાન 2197 કેસ નોંધાયા હતા. અહીં મોટી વાત એ પણ છે કે, છેલ્લા 6 દિવસથી 250થી ઓછા કેસ નોંધાયા છે.
એટલું જ નહીં, છેલ્લા 15 દિવસથી અમદાવાદમાં દર્દીઓના સ્વસ્થ થવાની સંખ્યામાં પણ ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં 4063 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સામે છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં 3840 કોરોનાના કુલ કેસ નોંધાયા છે. આમ, છેલ્લા પંદર દિવસમાં નવા દર્દીઓની સામે વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.