અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની સંખ્યામાં સતત વધારે થતો જોવા મળી રહ્યો છે તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે ઘરમાં છો તો સલામત છો અને આગામી 10 દિવસ ઘરની બહાર ન નીકળવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, હવે વિદેશથી આવેલા લોકોને ક્વોરન્ટાઈન સમય આવતીકાલે પુરો થવા જઈ રહ્યો છે. પરંતું બીજી તરફ સ્ટેજ - 3 તરફ વધતાં અમદાવાદમાં હવે લોકલ સંક્રમણના કેસો વધી રહ્યા છે.

મ્યુનિ.ની 500 મેડિકલ ટીમ ઘરે ઘરે જઈને તપાસ કરતાં તેના સારાં પરિણામો મળ્યાં છે અને મોટું નુકસાન થાય તે પહેલા કેસો શોધી કાઢવામાં આવ્યા છે. અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર પણ અમદાવાદ જેવડું છે અને અત્યારે ત્યાં એક લાખ કેસો આવ્યા છે જે આપણે સમજવું જોઈએ. લોકોએ પોતાના જીવનનું મુલ્ય સમજવું જોઈએ જ્યાં સુધી ઘરમાં છો ત્યાં સુધી સલામત છો. બહાર નીકળો છો તો તમારું રિસ્ક વધી રહ્યું છે.

આગામી 10 દિવસમાં લોકડાઉન અસરકારક જરૂરી છે. હજુ પણ કેટલાંક વિસ્તારમાં લોકો બહાર નિકળી રહ્યા છે. હાલ ત્રીજા તબક્કામાં શહેરના ઘણાં બધાં વિસ્તારમાં કેસો જોવા મળ્યાં છે. જે લોકો પોતાના ઘરમાં છે તેઓ સુરક્ષિત છે. પશ્ચિમ વિસ્તારના લોકોએ એવું નહીં વિચારવું કે આ સમસ્યા માત્ર પૂર્વ વિસ્તારમાં છે કે, બંગલાવાળાએ એવું ન વિચારવું કે આ સમસ્યા માત્ર ઝુંપડપટ્ટી વિસ્તાર માટે છે. કોઈની પણ સામાજિક આર્થિક પરિસ્થિતિને માનતો નથી, આ અભૂતપૂર્વ સંકટ છે.

ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 45 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કલસ્ટર જાહેર કરાયેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા, રખિયાલમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.