અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં છે, ત્યારે આ સમાચાર તમને થોડી રાહત આપશે. અમદાવાદમાં છેલ્લા સાત દિવસમાં અગાઉના સાત દિવસ કરતાં કોરોનાના કેસો અને મોતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બીજી તરફ દર્દીઓની સ્વસ્થ થવાની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે.

અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં એટલે કે, 20મી જૂનથી 26મી જૂન દરમિયાન 1800 કેસ નોંધાયા છે. તેની સામે 13 જૂનથી 19 જૂન દરમિયાન 2296 કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા સાત દિવસમાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયા છે. જ્યારે દર્દીઓ સ્વસ્થ થવાની વાત કરીએ તો 20મી જૂનથી 26મી જૂન દરમિયાન 2494 લોકો ડિસ્ચાર્જ થયા છે. જે ગત અઠવાડિયામાં એટલે કે 13મી જૂનથી 19મી જૂન દરમિયાન 1649 લોકો ડિસ્ચાર્જ થયા હતા. આમ, સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધી છે.

એવી જ રીતે મૃત્યુઆંકની વાત કરીએ તો 13મી જૂનથી 19મી જૂન દરમિયાન અઠવાડિયામાં 157 લોકોના મોત થયા હતા. તેની સામે આ અઠવાડિયામાં 20મી જૂનથી 26મી જૂન દરમિયાન નોંધપાત્ર ઘટાડા સાથે 102 લોકોના મોત થયા છે.