અમદાવાદઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના મંત્રીઓને ભાજપના મુખ્યમથક કમલમમાં બેસીને કાર્યકરોના પ્રશ્ન-રજૂઆતો સાંભળવા તથા તેનો ઉકેલ લાવવા આદેશ આપ્યો હોવાનો દાવો ગુજરાતના ટોચના અખબારના અહેવાલમાં કરાયો છે. સી.આર.પાટીલ સમક્ષ ભાજપના કાર્યકરો નારાજ હોવાની રજૂઆત કરાતાં તેમણે કાર્યકરોને મનાવવાના બહાને મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ આપ્યો હોવાનો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.
આ અહેવાલમાં કહેવાયું છે કે, ગુજરાતમાં ભલે ભાજપની સરકાર હોય પણ કાર્યકરો ભાજપથી અત્યંત નારાજ છે કારણે કે પક્ષપલટો કરીને આવેલાં કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બન્યા છે જ્યારે પક્ષ માટે વર્ષોથી પરસેવો પાડતાં કાર્યકરોનો માત્ર ચૂંટણીમાં પોસ્ટર લગાડવા અને જાહેરસભામાં ખુરશી ગોઠવવાનાં કામ કરવા માટે જ ઉપયોગ કરાય છે. આ ઉપરાંત એવી ફરિયાદો પણ ઉઠી છે કે, રૂપાણી સરકારના મંત્રીઓ કાર્યકરોને જ મળતા નથી અને કાર્યકરોના મત વિસ્તારના હોય કે અન્ય લોકહિતનાં હોય પણ કોઈ કામો થતા નથી.
આ અહેવાલમાં દાવો કરાયો છે કે, ભાજપના કાર્યકરો સચિવાલયમાં જાય તો કોઇ ભાવ આપતું નથી અને તેના કારણે 20 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં ભાજપનુ શાસન છે છતાંય અમુક મત વિસ્તારોમાં તો હજુય ભાજપની સ્થિતી અત્યંત નબળી છે. આ મત વિસ્તારો હદુય કોંગ્રેસના ગઢ સમાન છે. આવા વિસ્તારોમાં ભાજપ જનાધાર ગુમાવી રહ્યો છે એવી ફરિયાદોને પગલે પાટીલે મંત્રીઓને જ કમલમમાં બેસાડવા નક્કી કર્યુ છે.
સૂત્રોનું કહેવું છે કે, રાજ્ય કક્ષાના મંત્રીઓને કમલમમાં બેસવા સૂચના આપવામાં આવી છે. આ મંત્રીઓ દર સપ્તાહે સોમવાર અને મંગળવારે કમલમમાં ભાજપના કાર્યકરોના પ્રશ્નો-રજૂઆતોને સાંભળશે અને તેનો ઉકેલ લાવશે તેવુ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.
ભાજપ સંગઠને રાજ્ય સરકારને આ મામલે જાણ સુધૃધાં કરી દીધી છે. હવે કયા વિભાગના મંત્રી,કયા વારે ,કેટલાં વાગે કમલમમાં આવશે તે અંગેનું આયોજન નજીકના દિવસોમાં કરી દેવામાં આવશે. ભાજપના કાર્યકરોને હવે સચિવાલયમાં મંત્રીની કેબિનની બહાર બેસવું પડશે નહીં. આમ,કમલમ હવે મિની સચિવાલયમાં તબદીલ થઇ જશે.
C.R. પાટીલે રૂપાણી સરકારના મંત્રીઓને શું કર્યું ફરમાન ? કાર્યકરોએ મંત્રીઓ વિરૂધ્ધ શું કરી હતી રજૂઆતો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 11:03 AM (IST)
રાજ્ય કક્ષાના મંત્રીઓને કમલમમાં બેસવા સૂચના આપવામાં આવી છે. આ મંત્રીઓ દર સપ્તાહે સોમવાર અને મંગળવારે કમલમમાં ભાજપના કાર્યકરોના પ્રશ્નો-રજૂઆતોને સાંભળશે અને તેનો ઉકેલ લાવશે તેવુ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -