અમદાવાદઃ આગામી બે-ત્રણ કલાક  પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.  કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે એ લોકોને અપીલ કરી છે.


વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે.


વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, શેલણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈન, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.


સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.


સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ,  ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.


રાજ્યમાં વાવાઝોડાના કારણે 4231 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી જેમાંથી 1958 ગામડાઓમા ખોરવાંયેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. જ્યારે રાજયનાં 2273 ગામડાઓમા હજુ પણ વીજ પુરવઠો બંધ છે. 3502 ગામડાઓમાં ફીડર, 1077 વીજ પોલ અને 25 ટ્રાંસમીટર બંધ છે.