અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળનો આજે આઠમો દિવસ છે. સિનિયર-જુનિયર ડોકટરોને આજે હોસ્ટેલ ખાલી કરવી પડી શકે છે. પ્રશાસન દ્વારા 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા નોટિસ અપાઈ છે. 900 જેટલા સિનિયર-જુનિયર તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસને ધ્યાને ન લેવાને લઇને પ્રશાસન કરી શકે છે કાયદેસરની કાર્યવાહી.


1 વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સ તરીકે ગણવાની તબીબોની માંગ છે. બોન્ડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવા માંગ છે. બોન્ડની માંગણી અંગે જુનિયર તબીબો છેલ્લા એક સપ્તાહથી હડતાળ ઉપર છે. અગાઉ પણ બીજે મેડિકલ કોલેજના ડિન દ્વારા અપાઈ હતી નોટિસ. બુધવાર સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનો જાહેર કરાયો પરિપત્ર.


વડોદરામાં સિનિયર રેસિડેન્ટ તબીબોની હળતાળ અવિરત ચાલું છે. ગઈ કાલે તબીબો દ્વારા એપ્રોન અને માસ્ક પહેરી વિરોધ નોંધાવાયો હતો. યોગ કરી અનોખી રીતે નોંધાવ્યો વિરોધ. વધતા જતા કોરોના કેસ વચ્ચે તબીબોની હડતાળ યથાવત. રેસિડેન્ટ તબીબો પોતાની માંગને લઈને અડગ છે. કોવિડમાં 17 મહિના ની કામગીરીને બોન્ડ સ્વરૂપે ગણવામાં આવેની માંગ કરાઈ છે. 


ગાંધીનગર: ગુજરાતમાં ઘણા સમયથી કોરોનાના નવા કેસનો આંક 200ને પાર નોંધાઈ રહ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 217 કેસ નોંધાયા હતા ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 226  કેસ નોંધાયા છે. બીજી તરફ 163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 106 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55,584 ડોઝ અપાયા હતા.


કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 106 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ, સુરત શહેરમાં 37 કેસ, રાજકોટ શહેરમાં 5 કેસ, ગાંધીનગર શહેરમાં 7 કેસ, જામનગર અને ભાવનગર શહેરમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો વડોદરામાં 6, કચ્છ, મહેસાણા, વલસાડમાં 5-5 કેસ, નવસારીમાં 4, ગાંધીનગરમાં 3, પાટણમાં 3, અમદાવાદ, ભરુચ, રાજકોટમાં 2-2, અમરેલી, આણંદ, ખેડા અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. 


આજે કોઈ મોત નથીઃ
આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 163 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1524 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 12,15,616 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.