USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 33 ગુજરાતીઓ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા

અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 33 ગુજરાતીઓ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તમામ 33 ગુજરાતીઓને તેમના ઘરે પહોંચાડવાની સરકારે વ્યવસ્થા કરી હતી. તેમના જિલ્લા પ્રમાણએ પોલીસની ગાડી ફાળવવામાં આવી છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના લોકો છે.
પોલીસના બંદોબસ્ત સાથે તમામને વતન રવાના કરાયા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓએ પોતાના ચહેરા ઢાંકી રાખ્યા હતા. જો કે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ ડિપોર્ટ થયેલા લોકોએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જો કે અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની પૂછપરછ કરવામાં ન આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે પરંતુ, તેમને વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની LCB કચેરીઓ તેઓનું ઈન્ટ્રોગેશન કરશે તેવી માહિતી મળી રહી છે.
સપના સાકાર કરવા અમેરિકામાં ગેરકાયદે ગયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ કરાયેલામાં લોકોમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના છે. તો અન્ય અમદાવાદ, વિરમગામ, ખેડા, આણંદ અને પાદરાના છે.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન લઇ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 10થી વધુ લોકોને એરપોર્ટ બહાર લવાયા છે. ભરુચ અને બનાસકાંઠાની 1-1 મહિલા વતન માટે રવાના થયા હતા. આણંદની 1 મહિલા અને ગાંધીનગરના 5 લોકો વતન માટે રવાના થયા હતા. આણંદ અને મહેસાણાની 1-1 મહિલા વતન માટે થઇ હતી.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં મહેસાણા જિલ્લાના 12 લોકોનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લાના 10, સુરત જિલ્લાના 4, અમદાવાદ જિલ્લાના 2 લોકો પણ સામેલ છે. ડિપોર્ટ કરાયેલા લોકોમાં 16 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પરત મોકલાયેલા 14 ગુજરાતીઓ ગાંધીનગરના કલોલ અને માણસાના છે. વિદેશ જવાની ઘેલછામાં 75 લાખથી કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કર્યો હોવાનું માનવામા આવી રહ્યું છે. મોટાભાગના વ્યક્તિ છેલ્લા એકથી ત્રણ મહિના દરમિયાન અમેરિકા ગેરકાયદે પહોંચ્યાનું આવ્યુ સામે છે.
સુરતના ડિંડોલીના શુભ વાટિકાના કેતુલ પટેલ, સુરતના ડિંડોલીના શુભ વાટિકાના મંત્ર પટેલ, સુરતના ડિંડોલીના શુભ વાટિકાના કિરણ પટેલ, ગાંધીનગરના ખોરજના કેતુલ દરજી, ગાંધીનગરના મોટી આદરજના પ્રેક્ષા પ્રજાપતિ, ગાંધીનગરના માણસાના બાપુપુરાના બળદેવ ચૌધરી, માણસાના ઈન્દ્રપુરાના રુચિ ચૌધરી, મહેસાણાના ખાણુસાના હિરલબેન અને જયેન્દ્રસિંહ, મહેસાણાના લાંગણજના પિન્ટુ પ્રજાપતિ, મહેસાણાના લાંગણજના એશા પટેલ, મહેસાણાના ખેરવાના શિવાની ગૌસ્વામી, મહેસાણાના વસઈ ડાભલાના નિકિતા પટેલ, કડીના રાજનગર સોસાયટીના બીના અને જયેશ રામી, મહેસાણાના હાર્દિક ગોસ્વામી અને મહેસાણાના હીમાની ગોસ્વામીને અમેરિકન સરકારે ડિપોર્ટ કર્યા છે.
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં 104 ભારતીયોના એક જૂથને ડિપોર્ટ કરવામાં આવ્યું છે. ભારતીયોને લઈને અમેરિકન આર્મીનું વિમાન C-147 પંજાબના અમૃતસરમાં ઉતર્યું હતું. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ઈમિગ્રન્ટની સંખ્યા ખૂબ જ મોટી છે. જેમાં 7.25 લાખ તો ભારતીય ઈમિગ્રન્ટ્સ છે, જે પૈકી સૌથી વધુ ગુજરાતી છે.





















