અમદાવાદ: અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં આવેલી બકેરી સીટીમાં એ આગની ઘટનામાં પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે આ આગ લગાવાની ઘટનામાં માતા ઈજાગ્રસ્ત થયા છે. પિતા ધ્રુવ ગોહિલ અને પુત્ર શાશ્વત ગોહિલનું આગની ઘટનામાં મોત થયું હતું. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરી રો-હાઉસમાં મોડી રાત્રે લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિતા-પુત્રનું મોત થયું છે અને માતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
પરિવાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે અચાનક આગ ફાટી નીકળી
સમગ્ર અહેવાલ અનુસાર, અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં બકેરી સીટીમાં કૃષ્ણ નગરી સોસાયટીમાં પરિવાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગે ભયંકર સ્વરુપ ધારણ કર્યું અને સમગ્ર મકાનને ચપેટમાં લીધું હતું. ઘરમાં તમામ સભ્યો કંઈ સમજે તે પહેલાં જ ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટમાં આવી જતાં લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો
કૃષ્ણ નગરી સોસાયટીમાં મકાનમાં ભયંકર આગની ઘટનામાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ રેસ્ક્યૂ દરમિયાન ટીમે ઘરની અંદર ફસાયેલા લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. કૃષ્ણ નગરી સોસાયટીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટીના સાધનો અને જાગૃતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. એસએસએલની તપાસ બાદ જ આગ કઈ રીતે લાગી તે સાચુ કારણ સામે આવશે.
ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, રો હાઉસમાં ઉપર અને નીચે બંને માળમાં આગ લાગી હતી. અમે તાત્કાલિક અમારી 20,000 લિટરની ગજરાજ ટ્રક મંગાવી અને પાણીનો મારો ચલાવીને ઉપરની જ્વાળાઓ પર કાબૂ મેળવ્યો. આ દુર્ઘટનામાં એક પુરુષ અને તેમનો પુત્ર અંદર ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને અમે આગમાં જ બેભાન હાલતમાં બહાર કાઢીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા.