Gujarat News: ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાંથી માર્ગ અકસ્માત અને ડૂબી જવાની કરુણ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના વઢવાણ નજીક આવેલી નદીમાં નહાવા પડેલા રાજસ્થાનના ચાર યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. તો બીજી તરફ જૂનાગઢના કેશોદ અને અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં ભયાનક રોડ અકસ્માતો સર્જાયા છે, જેના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.

Continues below advertisement

 

Continues below advertisement

વઢવાણના નગરા ગામે ઉમૈયા નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં નહાવા પડેલા મૂળ રાજસ્થાનના ચાર યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. સ્થાનિક સોલર પ્લાન્ટમાં કામ કરતા પાંચ મિત્રો મોરબીથી નગરા ખાતે આવ્યા હતા. તેઓ અહીં નાહ્યા બાદ સોમનાથ મહાદેવના દર્શને જવાના હતા.

આ પણ વાંચો...Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

પાંચ મિત્રોમાંથી એક યુવક નદીની પાળે બેસીને નાહી રહ્યો હતો, જ્યારે અન્ય ચાર યુવાનો નદીના ઊંડા પાણીમાં ઉતરી જતાં ગરકાવ થઈ ગયા હતા. કિનારે બેઠેલા યુવકે બૂમાબૂમ કરતા જ સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ નદીમાં શોધીને ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જોરાવરનગર પોલીસે સ્થળ પર પહોંચી ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. સોમનાથ દર્શને જતાં પહેલાં જ સર્જાયેલી આ દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનો અને મિત્રોમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.

કેશોદ નજીક કારની ટક્કરે મોપેડ સવાર પતિ-પત્નીનું કરુણ મોત

જૂનાગઢના કેશોદ નજીક એક હૃદય ધ્રૂજાવી દેતો માર્ગ અકસ્માત સર્જાયો છે. પેટ્રોલ પમ્પ પરથી મોપેડ પર સવાર થઈને રોડ ક્રોસ કરી રહેલા પતિ-પત્નીને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે પતિ-પત્ની હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.

અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

 અમદાવાદના વ્યાસવાડીમાં રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત

અમદાવાદ શહેરના વ્યાસવાડી ચાર રસ્તા પાસે પણ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક રિક્ષા ચાલકે અચાનક રોંગ સાઇડમાં યુ-ટર્ન લેતાં, સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલો એક્ટિવા ચાલક રિક્ષા સાથે ધડાકાભેર ટકરાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.