Republic Day 2026: આજે સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી પરંપરા મુજબ આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે કરવામાં આવી હતી. નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં આયોજિત આ સમારોહમાં લોકશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.
રાજ્યપાલે કર્યું ધ્વજવંદન અને પરેડની સલામીરાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલે ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં નિરીક્ષણ કરી પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. વાવ-થરાદ પંથક આજે ભક્તિ અને રાષ્ટ્રવાદના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું.
પોલીસ દળ અને મહિલા શક્તિના દિલધડક કરતબોઉજવણી દરમિયાન ગુજરાત પોલીસના જવાનોએ દિલધડક નિદર્શનો પ્રસ્તુત કર્યા હતા. ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓએ તિરંગા રંગના પોશાકમાં સજ્જ થઈને અદભુત પ્રસ્તુતિ કરી સૌના દિલ જીતી લીધા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતની અસ્મિતા અને વિકાસની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
અમદાવાદમાં હર્ષ સંઘવીએ કર્યું ધ્વજવંદનબીજી તરફ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે વિશ્વના ફલક પર ગુજરાત ચમકી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ સતત વધી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય મંત્રીઓ જેમ કે જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.
જનભાગીદારીની નવતર પરંપરાઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી માત્ર પાટનગર પૂરતી મર્યાદિત રાખવાને બદલે જુદા-જુદા જિલ્લાઓમાં જનભાગીદારીથી કરવાની જે પરંપરા શરૂ કરી હતી, તે આજે પણ અકબંધ છે. આ વર્ષે સરહદી જિલ્લા વાવ-થરાદને આ યજમાનપદ મળતા સ્થાનિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.