અમદાવાદઃ આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. મળતી જાણકારી અનુસાર ગોપાલ ઇટાલિયાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં બીજેપી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ભાજપ આપના કાર્યકર્તા સાથે મારામારી કરી રહ્યો છે. ભાજપના લોકો  આપ પાર્ટીની વોલ પેઈન્ટિંગ ભૂસે છે અને આપના વાહનોમાં તોડફોડ કરતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો.






ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ડરી ગયેલા ભાજપના લોકો આમ આદમી પાર્ટીની વોલ પેઇન્ટિંગ ભૂસી નાખે છે. ભાજપ ડરી ગયો છે અને નેતાઓ બોખલાઈ ગયા છે. લોકોને નીચા દેખાડવા જેવું કૃત્ય કરે છે. આમ આદમી પાર્ટીને ખરાબ ચીતરવી અને કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યા છે.






ઇટાલિયાએ કહ્યું કે અમારા કાર્યકર્તાઓ દરેક વિધાનસભાઓ પર પોતાની મહેનત પર અને સ્વખર્ચે વોલ પેઇન્ટિગ કરે છે. ભાજપ દ્વારા સરકારી દીવાલો અને ઇમારતો પર પેઇન્ટિગ કરવામાં આવે છે. અમે ખાનગી માલિકીની દિવાલો પર સ્વખર્ચે પેઇન્ટિંગ કરી રહ્યા છીએ. વોલ પર આમ આદમી અને અરવિંદ કેજરીવાલના વિચારો દર્શાવવામાં આવે છે. પરંતુ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીની વોલ પેઇન્ટિગને ભૂસવામાં આવી રહ્યા છે.


ઇટાલિયાએ કહ્યું કે એક તરફ ભાજપ કહે છે કે પશ્વિમ બંગાળમાં લોકશાહી ખતમ થઈ રહી છે તો શું ગુજરાતમાં લોકશાહીનું હનન નથી થતું ? લોકો ભાજપની આ ગુંડાગીરીને જોવે  અને વિધાનસભામાં ઝાડુ ફેરવી આવા ભાજપના લોકોને હટાવે.