ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને લઈને ભાજર એક્શન મોડમાં આવ્યું છે. ગુજરાતમાં પણ બીજેપી દ્વારા સંગઠનમાં કેટલીક નિમણુકો કરવામાં આવી છે. જેમાં ભાજપે મહિલા મોરચાના પ્રભારીઓની નિમણૂક કરી છે. મધ્ય અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. 10 જિલ્લા અને શહેરના પ્રભરીની પણ નિમણૂક કરવામાં આવી છે. સીમાબેન મોહિલેની મધ્ય ઝોનના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડો. ઉર્વશીબેન પંડ્યાની સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તો બીજી તરફ ભાજપની કારોબારી બેઠક મુદ્દે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આજની આ પ્રદેશ કારોબારી દરમિયાન આગામી એક મહિના માટે લોકસભા સ્તરે, વિધાસનભા સ્તરે અને બુથ સ્તરે વિવિધ કાર્યક્રમોની યોજના થઈ છે. આ કારોબારીમાં ચૂંટાયેલા ધારાસભ્ય, જિલ્લા અધ્યક્ષો, લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ, મેયર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. 30 મેથી સમગ્ર દેશમાં અભિયાન શરૂ થશે જે 30 જૂન સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ તમામ ઘરે પહોંચવા માટે આજે આયોજન કરાયું છે.
રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વિવિધ સંમેલનનોનું આયોજન થશે. પાર્ટીના અલગ અલગ મોરચાઓના સંમેલન પણ થશે. રાજ્યની તમામ લોકસભા સીટ પર વિશાળ જનસભાઓનું આયોજન થશે. 23 જૂનના રોજ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓનો સન્માન કાર્યક્રમ થશે. ભાજપ આગામી લોકસભામાં ગુજરાતની 26માંથી 26 તમામ સીટ ગયા વખત કરતા વધુ માર્જીન સાથે જીતશે.
કોંગ્રેસે ગુજરાતના આ દિગ્ગજ નેતાને કર્યા સસ્પેન્ડ
વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. સુરેશ પટેલને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આરએસએસના કાર્યક્રમમાં હાજરી અને પ્રવચન આપવા બદલ સુરેશ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આર.એસ.એસ.નો કાર્યક્રમ હરણીની સિગ્નસ સ્કૂલમાં યોજાયો હતો. 8 મે ના રોજ આર.એસ.એસ.ના પ્રશિક્ષણ વર્ગમાં અતિથિ તરીકે હાજરી આપી હતી. જે બાદ સુરેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારને ધમકી મળવાની થઈ શરૂઆત
રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારા પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની શરૂઆત થઈ છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘરનું એડ્રેસ પૂછી ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. અંધશ્રદ્ધા ન ફેલાય તે જ મારો ઉદ્દેશ છે, અત્યાર સુધીમાં પાંચથી છ વખત ધમકીભર્યા ફોન આવ્યા છે. બાબા મને સમય આપશે તો હું ચોક્કસ મળીશ, બાબા સનાતન ધર્મનો પ્રચાર કરે છે તેનો મારો વિરોધ નથી. સનાતન ધર્મના પ્રચાર માટે મંજૂરી મળવી જોઈએ, મારો વિરોધ સનાતન ધર્મનો નથી માત્ર ધતિંગનો છે. હું પોલીસ પ્રોટેક્શન નથી માંગતો.