અમદાવાદઃ અમદાવાદના ખાડિયા-જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો બીજો કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલા હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખેડાવાલાનો 9 દિવસની સારવાર બાદ મંગળવારે બીજો રીપોર્ટ લેવાયો હતો અને તેમનો કોરોનાનો બીજો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હવે શનિવારે કે રવિવારે તેમનો ફરી રીપોર્ટ કરવામાં આવશે. એ પછી તે કોરોનામુક્ત છે કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.
ઈણરાના ખેડાવાલા હાલમાં એસવીપી હોસ્પિટલમાં દાખલ છે. 14એપ્રિલે મોડી સાંજે ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી ખેડાવાલા એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પરિવારના પાંચ સભ્યોને પણ ચેપ લાગતાં તેઓ પણ સારવાર હેઠળ છે. ઈમરાન ખેડાવાલાએ પોતાની મળતી સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયા સાથેની ટેલીફોનિક વાતચીતમાં કહ્યું કે, એસવીપી હોસ્પિટલમાં કોરોનાના તમામ દર્દીને સારામાં સારી સારવાર મળી રહી છે. ડોક્ટર અને તબીબી સ્ટાફ સતત દરેક દર્દીની સંભાળ રાખી રહ્યા છે. કોઈને નાનામાં નાની બાબતની તકલીફ ન પડે તેનું ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખેડાવાલાએ લોકોને લોકડાઉનનો ભંગ નહીં કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. એસવીપી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વિશેષ વોર્ડ ઉભો કરાયો છે. આ વોર્ડમાં ખેડાવાલાની સારવાર ચાલી રહી છે.