Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી આવતીકાલે તા. 08 ડિસેમ્બરે, સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.
કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે
પી. ભારતીએ જણાવ્યું હતું કે, તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ આજે પૂર્ણ કરાશે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.
સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે
મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.
મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં
મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.