Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. હવે વરસાદ અંગે ફરી એકવાર આજે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, આજે સૌરાષ્ટ્ર કચ્છમાં  વરસાદ રહેશે. ભારે વરસાદની શકયતા નહિવત છે, આવતીકાલથી છૂટો છવાયો વરસાદ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. નર્મદા, ખેડા, ગાંધીનગર, દાહોદમાં ઓછો વરસાદ પડ્યો છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.


ઓગસ્ટમાં કેમ વરસાદની ઘટ પડી


ઓગસ્ટમાં વરસાદની ઘટને લઈને હવામાન વિભાગના અધિકારીએ ચિંતા વ્યક્ત કરી છે. ઓગસ્ટમાં આ વર્ષે વરસાદની ઘટ રહી હોવાનું હવામાન વિભાગે સ્વીકાર્યું છે. દર વર્ષ ઓગસ્ટમાં 159 mm વરસાદ પડતો હોય છે,ચાલુ વર્ષે જે ઘટીને 117 mm રહ્યો છે.  જૂન જુલાઈમાં વરસાદ સારો પડ્યો હતો, જેથી આગામી દિવસમાં સારો વરસાદ રહેશે તેવું પૂર્વમાન છે. અત્યાર સુધીમાં ઓગસ્ટમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નહીં, જેથી ઓગસ્ટમાં વરસાદ ઓછો રહ્યો છે.




વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે. જામનગર, બનાસકાંઠા, દાહોદમાં વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના પંચવટી, પટેલ કોલોની, શરૂ સેક્શન, બેડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો આ તરફ દાહોદ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ, ધાનપુર, લીમખેડા, સંજેલી, ફતેપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડાસાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉમેદપુર, જીવનપુર, બોલુન્દ્રા સહિત પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સોમવાર, 21 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં હળવા વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગના અપડેટ મુજબ, મંગળવાર 22 ઓગસ્ટ અને બુધવાર 23 ઓગસ્ટે ભારે વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે. સોમવારે, 21 ઓગસ્ટના રોજ, દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.  ઉત્તરાખંડમાં વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે સોમવાર, 21 ઓગસ્ટ માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. યુપીમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.