અમદાવાદઃ શહેરમાં બપોરે ધોધણાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી. હાઈવે, હાથીજણ, શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર, સત્તાધારા, નારણપુરા, ભૂયંગદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ ઉપરાંત અત્યારે અરવલ્લી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.  

Continues below advertisement


હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. ઉપરાંત દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ 60 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં નહીં જવા માટે સૂચના અપાઇ છે. માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.


અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાંથી અન્યત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે.આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને તેને સંલગ્ન ઉત્તર પૂર્વ અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જેને લીધે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે.



રાજ્યમાં વર્તમાન ચોમાસાની સિઝનનો સરેરાશ 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારે સવાર સુધીમાં વરસેલાવ રસાદના આંકડા મુજબ રાજ્યના 206 તાલુકાઓમાં પાંચ ઈંચ સુધીનો, 36 તાલુકામાં પાંચથી દસ ઈંચ અને નવ તાલુકામાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.



ગુજરાત રીજયન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સરેરાશ 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 10.73 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 8.66 ટકા, સૌરાષ્ટ્રમાં 8.95 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 9.2 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છના બે તાલુકામાં ચાર અને આઠ મી.મી. જેટલો નજીવો વરસાદ નોંધાયો છે. ઉતત્ર ગુજરાતના ત્રણ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ત્રણ, સૌરાષ્ટ્રમાં બે અને દક્ષિણ ગુજરાતમાં એક તાલુકામાં પણ નજીવો વરસાદ વરસ્યો છે.


ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર શહેર, જીઆઇડીસી અને તાલુકાના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદ શરૂ થવાની સાથે જ જીઆઇડીસીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


પાલનપુરમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે પ્રશાસનની ખોલી દીધી પોલ. જ્યા બે વર્ષ અગાઉ બનાવેલા પુલની બાજુનો એપ્રોચ ધરાશાયી થયો છે. જેના કારણે આસપાસના 20 ગામોને અસર પડી છે.



તો ખેડૂતો પોતાના ખેતરમાં ન જઈ શક્યા. 1 કરોડથી પણ વધુના ખર્ચે બનાવેલો આ પુલ ત્રણ ઇંચ વરસાદમાં જ ધરાશાયી થતાં પુલ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. ઘટનાની જાણ થતા જ પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા અને અધિકારીઓને  સમારકામ અંગેની સૂચના આપી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ તો કોઝવે તૂટવા પાછળ ખેડૂતો અને સિંચાઈ વિભાગ પર દોષનો ટોપલો ઢોળ્યો છે.