Cinematic Film Policy-2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણની ઉપસ્થિતિમાં ગુજરાતની સૌ પ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલિસી-૨૦૨૨નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ છે. આ અવસરે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ ફિલ્મના સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી મનોજ જોષી, હિતુ કનોડિયા સહિત ચલચિત્ર જગત સાથે સંકળાયેલા ગણમાન્ય આમંત્રિતો આ લોન્ચિંગ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા
મુખ્યમંત્રીએ આ સિનેમેટીક ફિલ્મ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સીએમએ કહ્યું, ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે અને વિશ્વના રોકાણકારો,વ્યવસાયકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણથી આત્મનિર્ભર ભારત માટે આ પોલીસી ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ પોલિસી ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે. આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ.૧૦૨૨ કરોડના ચાર એમ.ઓ.યુ. પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા.
આ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે
- ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ
- ફિલ્મ સિટી
- ફિલ્મ અને ટીવી સ્ટુડિયો
- ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ
- પોસ્ટપ્રોડક્શન સુવિધાઓ
- ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ
- ફિલ્મ શૂટિંગ
- ટીવી અને વેબ સીરીઝ
- ડોક્યુમેન્ટરી
- બ્રાન્ડ એફિલિયેશન
- બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સ
- બિગ બજેટ મુવીઝ
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેગા ફિલ્મ અને મ્યૂઝિક ઇવેન્ટ્સ અને ફિલ્મ એવોર્ડ્સ
રાજ્યમાં ફિલ્મ મેકર્સને આવકારવા માટે આ પોલિસી ફિલ્મ મેકર્સને વિવિધ સુવિધાઓ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમકે, રાજ્યમાં સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ કરવું, TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.)ની હોટલોમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવું અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ પ્રદાન કરવો.
• એકોમોડેશન (આવાસની સુવિધા) બુકિંગ માટે સહયોગ
• TCGLની પ્રોપ્ટીઓમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ
• ફિલ્મના નિર્માણ માટે સિક્યોરિટી પ્રદાન કરવી
• આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સાથે લાયાઝનિંગ
• જાણીતા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઇડરો સાથે જોડાણ
• રાજ્યના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ
• ફીડબેક સિસ્ટમ મારફતે સતત એન્ગેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત