અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે જયરાજસિંહના ભાજપામાં જોડાવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જયરાજસિંહ પાર્ટીના ખૂબ જ સારા પ્રવક્તા હતા. રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઈ છે. જયરાજસિંહના પક્ષ છોડવા પર મારે કંઈ કહેવું નથી. વિપક્ષમાં રહીને કોઈપણની અપેક્ષા પુરી કરવી ખૂબ જ અઘરી છે. 


તેમણે કહ્યું કે, કોંગ્રેસ છોડીને ગયેલા કઈ રીતે જનતાના મુદ્દા અઠાવી રહ્યા છે. કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની હાલત શું છે તે બધા જાણે છે. રાજકોટની ઘટના બાદ પોલીસની વિશ્વસનિયતા પર સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટ પોલીસ પર એક હજારની તોડબાજી કર્યાનો હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો. 


હાર્દિક પટેલે આ સમયે દાવો કર્યો હતો કે, અમે ચિંતન ખૂબ જ કરીએ છીએ. જનતાની લડાઇ સરકાર સુધી પહોંચી છે. કોંગ્રેસના જે પણ લોકો ત્યાં ગયા છે, તેમની હાલત શું છે તે તેમને ખબર છે. હું પણ જાણું છું. ચાહે કુંવરજીભાઈ, જવાહરભાઈ હોય, હકુભા હોય કે અસંખ્ય બીજા ઘણા લોકો હોય. મને ભરોસો છે કે, ચૂંટણી નજીક આવતાં ઘણાં ભાજપના નારાજ નેતાઓ પણ અમારી સાથે આવશે અને જે લોકો કોંગ્રેસ પાર્ટીમાં સત્તાની લાલચે પ્રયાસ કરતા હોય તો તેમને રોકવા ખૂબ અશક્ય છે. કુંવરજીભાઈએ કોંગ્રેસનો સંપર્ક કર્યો કે નહીં, તે મુદ્દે હાર્દિક પટેલે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. પણ એક વાત છે કે, ભાજપના જે જૂના મંત્રીઓ હતા એ લોકોને અત્યારે મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે. એવા ઘણા બધા લોકો સમયની રાહ જોઇ રહ્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે, 10 માર્ચે જ્યારે પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ આવશે એ પછી ઘણા બધા લોકો પોતાની હિંમત ખોલવાના પ્રયાસ કરશે. 


જયરાજસિંહ પરમારના ભાજપમાં જોડાવાના એલાન પછી હવે મહેસાણા કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવી શકે છે. કોંગ્રેસ શાસિત સતલાસણા તાલુકા પંચાયત પરથી કોગ્રેસ સત્તા ગુમાવે એવા એંધાણ છે. કોંગ્રેસ સાશિત સતલાસણા તાલુકા પચાયતમાં કોંગ્રેસના 7 અને ભાજપના 7 તેમજ એક અપક્ષ સદસ્ય છે. જયરાજસિંહ પરમારના ભાજપના જોડાવાથી સતલાસણા તાલુકા પંચાયતની સત્તા ગુમાવે તેવા પુરા એંધાણ છે. 


જયરાજ સિંહ પરમાર વિસનગર તાલુકાના કાસા ગામમાં વતની છે. વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસ સદસ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ છોડનારા આ દિગ્ગજ નેતા મંગળવારે ભાજપમાં જોડાશે.  મળતી જાણકારી અનુસાર કોગ્રેસ છોડનારા જયરાજસિંહ પરમાર મંગળવારે કમલમમાં પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. જો કે આ પહેલા જયરાજસિંહ અને સી.આર પાટીલ વચ્ચે બેઠક થઈ હતી અને અંદાજીત બે કલાક સુધી આ બેઠક ચાલી હતી. જેમાં જયરાજસિંહની સાથે તેમના પુત્ર પણ હાજર હતા.


37 વર્ષ કૉંગ્રેસ માટે ખપાવી દેનાર જયરાજસિંહ પરમારે ત્રણ દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું અને કૉંગ્રેસને રામ-રામ કરતી વખતે કાર્યકરોને સંબોધીને એક પત્ર લખ્યો.  જેમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધ્યું હતું. જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે કેટલાક નેતાઓ કૉંગ્રેસ પર કૂંડળી મારીને વર્ષોથી બેઠા છે. પોતે હારતા હોવા છતાં બીજાને જીતવાના ગુરુમંત્ર આપે છે. જો કે કૉંગ્રેસ છોડ્યા બાદ હવે ક્યાં પક્ષમાં જોડાશે તેવી ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ હવે જયરાજસિંહ ભાજપમાં જોડાશે તે નક્કી છે.