કમોસમી વરસાદના કારણે સાણંદના ખેડૂતો થયા પાયમાલ: કહ્યું- “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો”
Ahmedabad: છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. માવઠાના મારથી અમદાવાદ ગ્રામ્યના ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે.

Ahmedabad: છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. માવઠાના મારથી અમદાવાદ ગ્રામ્યના ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે. અમદાવાદના સાણંદમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદથી સાણંદમાં ડાંગરના પાકમાં મોટાપાયે નુકસાન થયું છે. ડાંગર સહીતનો પાક સંપૂર્ણ નષ્ટ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ધારાસભ્ય કનુભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવા કનુભાઈ પટેલે માગ કરી છે. 
આ અંગે વિગતે વાત કરીએ તો, ભર શિયાળાની ઋતુમાં સાણંદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ચોમાસા જેવો અણધાર્યો માહોલ સર્જાતા ખેડૂતો પર આભ ફાટ્યું છે. અચાનક પડેલા આ કમોસમી વરસાદ (માવઠા) ને કારણે ખાસ કરીને ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની આખી વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

પાક સંપૂર્ણ બરબાદ: ખેતરોમાં પાણી ભરાયા
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, અનેક ખેતરોમાં ડાંગરનો પાક કાપણી માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો, તો ક્યાંક કાપેલા પૂળા વારીને રાખેલા હતા. આ અણધાર્યા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં તૈયાર પાક સંપૂર્ણ રીતે બગડી ગયો છે. અનેક જગ્યાએ ઊભો પાક વરસાદના જોરથી જમીન પર ઢળી પડ્યો છે, જેના કારણે ઉપજમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે.

એક ખેડૂતે ભારે આક્રંદભર્યા શબ્દોમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, “હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આખું વર્ષ પરસેવો વહાવ્યો, મહેનત બરબાદ થઈ ગઈ, હવે આખું ધૂળ થયું.”
ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, તાત્કાલિક સર્વેની માંગ
ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલે તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ સરકારને અપીલ કરી છે કે સાણંદ અને આસપાસના વિસ્તારોમાં થયેલા પાક નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર મળે તે માટે વિનંતી કરી છે. ખેડૂતો હાલ સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને વળતર મળે જેથી તેઓ ફરીથી પગભર થઈ શકે.





















