સોમવારે સાંજે અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં તેજ પવન સાથે આંધી ફૂંકાઈ હતી અને કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
Ahmedabad weather update: ગત રાત્રે અમદાવાદમાં મોસમનો અચાનક બગડ્યો મિજાજ, ભારે પવન અને વરસાદ વરસ્યો. ભારે પવનના કારણે રાત્રે અમદાવાદ લેન્ડ થનાર અનેક ફલાઇટને રાજકોટ, સુરત ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી

- અમદાવાદમાં અચાનક વાતાવરણ બદલાયું, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ.
- તેજ પવનને કારણે અમદાવાદ એરપોર્ટ પર 10 ફ્લાઇટ્સ પ્રભાવિત.
- ઘી કાંટા વિસ્તારમાં વૃક્ષ પડતાં પાર્ક કરેલી કારને નુકસાન.
- તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ.
Ahmedabad weather update:અમદાવાદ, શહેરમાં સોમવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જોરદાર પવન સાથે આંધી ફૂંકાઈ હતી, જ્યારે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વાતાવરણમાં આવેલા આ બદલાવના કારણે માર્ગવ્યવહાર તેમજ હવાઈ સેવાઓ પર પણ અસર જોવા મળી હતી. શહેરના એસ.જી. હાઈવે, ગોતા, સાયન્સ સિટી, શ્રેયસ ક્રોસિંગ, પ્રહલાદનગર, ઇસ્કોન, આંબલી, જમાલપુર અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં આંધી સાથે વરસાદ નોંધાયો હતો. શ્રેયસ ક્રોસિંગ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
ભારે પવનથી ફ્લાઇટ ઓપરેશન પ્રભાવિત
અમદાવાદમાં ખરાબ હવામાન અને તેજ પવનના કારણે એર ટ્રાફિક પર પણ અસર પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 10 જેટલી ફ્લાઇટ્સના સંચાલન પર અસર પહોંચી હતી, જ્યારે 7 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈથી અમદાવાદ આવતી AI2919 ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. ઉપરાંત હૈદરાબાદથી અમદાવાદ આવતી 6E216 ફ્લાઇટને પણ સુરત મોકલવામાં આવી હતી. ઇન્દોરથી આવતી ફ્લાઇટના સંચાલન પર પણ અસર નોંધાઈ હતી. જ્યારે મુંબઈથી આવતી એક અન્ય ફ્લાઇટને રાજકોટ તરફ ડાયવર્ટ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘી કાંટા વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાયી
આંધી અને ભારે પવનના કારણે શહેરના ઘી કાંટા વિસ્તારમાં એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ એક પાર્ક કરેલી કાર પર પડતાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે તે સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવાની અપીલ
હવામાનમાં આવેલા અચાનક બદલાવને પગલે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારે પવન અને વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વૃક્ષો અને હોર્ડિંગ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
વાતાવરણ બન્યું ખુશનુમા
અમદાવાદમાં આવેલી અચાનક વાતાવરણના પલટાથી ભારે ભારે પવન સાથે વરસાદ વરસતાં થોડા વરસાદે પણ અનેક રોડ પર પાણી ભરાઇ જતાં સ્થાનિકોની ચિંતા વઘી છે. થોડા વરસાદે જ એમએમસીની કામગીરીની પોલ ખોલી દીધી છે થોડા વરસાદમાં જ અમદાવાદના અનેક રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યાં. જો કે અમદાવાસમાં રાત્રે આવેલા વાતાવરણના પલટાના કારણે વાતાવરણ ખુશનુમા બન્યુ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને આકરી કાળઝાળ ગરમીથી રાહત મળી છે. 43થી 44 ડિગ્રી તાપમાનની કાળઝાળ આકરી ગરમી બાદ આજે સવારથી ધનધોર વાદળો અને પવનના કારણે તાતાવરણ આહલાદક બન્યુ છે.
Frequently Asked Questions
અમદાવાદમાં સોમવારે સાંજે હવામાન કેવું રહ્યું?
ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ ઓપરેશન પર શું અસર થઈ?
અમદાવાદમાં તેજ પવનના કારણે લગભગ 10 ફ્લાઇટ્સના સંચાલન પર અસર થઈ હતી. 7 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સુરત અને એક ફ્લાઇટને રાજકોટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઘી કાંટા વિસ્તારમાં આંધીને કારણે શું થયું?
ઘી કાંટા વિસ્તારમાં આંધી અને ભારે પવનને કારણે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ એક પાર્ક કરેલી કાર પર પડતાં કારને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
તંત્ર દ્વારા નાગરિકોને શું સલાહ આપવામાં આવી છે?
હવામાનમાં થયેલા અચાનક બદલાવને કારણે તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. વૃક્ષો અને હોર્ડિંગ્સથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે.
આંધી-વરસાદ બાદ અમદાવાદના વાતાવરણમાં શું ફેરફાર થયો?
આંધી અને વરસાદ બાદ અમદાવાદનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. આકરી ગરમીમાંથી રાહત મળી છે અને ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને હાશકારો થયો છે.






















