અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે અમદાવાદ શહેરેમાં આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શેલા, બોપલ અને શીલજમાં વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. 


શેલા ગામ તરફ જવાના રસ્તે સ્કાય સિટી નજીક મસમોટો ભુવો પડ્યો છે. આ રોડ પર અનેક જગ્યાએ ગુઠણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનચાલકો વરસાદથી મુશ્કેલીમાં મુકાયા હતા. વાહનો પણ પાણીમાં બંધ પડી જતા હેરાન થયા હતા.  


અનેક વિસ્તારમાં પાણી ભરાયા


અમદાવાદમાં (Ahmedabad Rain) આજે હવામાન વિભાગની (IMD) ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી દેતા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે.  


અમદાવાદમાં વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે. જેના પગલે વાહચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રના પ્રિ- મોન્સુનના (pre monsoon) દાવા પોકળ સાબિત થયા છે.


ઇસનપુરમાં ગટરના પાણી બેક માર્યા


અમદાવાદના ઇસનપુર ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર ગટરનું પાણી બેક મારી રહ્યું છે. વરસાદ અને ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. ગટરનું દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધ ફેલાઈ છે. ન્યુ રાણીપ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આનંદ પાર્ટી પ્લોટ પાસે તળાવ જેવા દ્રશ્યો છે. ચાંદલોડિયાથી કારીગામ જતા રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા લોકોને દર વર્ષે ભરાતા પાણીને લઈ મુશ્કેલીઓ પડી રહી છે.મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં છેલ્લા અડધા કલાકમાં ધોધમાર વરસાદ છે. ઘોડાસર રાધિકા બંગલોની બહાર વરસાદી પાણી ભરાયા છે. બાપુનગરથી લઈ બોપલ સુધીના તમામ વિસ્તારમાં વરસાદ છે.


આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે


હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે.  જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.