અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર,વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે.  અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. લોકોને પણ વરસાદના કારણે બફારાથી રાહત મળી છે.  

હવામાન વિભાગની વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

ત્રણ કલાક ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ આગામી ત્રણ કલાક કેટલાક જિલ્લાઓ માટે ભારે રહેશે.  આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ કલાક દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, વડોદરા, ભરૂચ, આણંદ, જુનાગઢમાં માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ આગાહી માત્ર ત્રણ કલાક માટેની છે. આ સમય દરમિયાન આ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50  ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં  વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. આજે સવારથી દ્વારકા પર મેઘરાજા મહેબાન થયા છે. દ્વારકા સહિતના આસપાસના વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં  સવા 2 ઇંચ વરસાદ વરસતાં ખેતરો અને રોડ રસ્તા પર પાણી ભરાયા છે. દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. દ્વારકામાં સવારથી અત્યાર સુધીમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનિય છે કે, ગઈકાલે કલ્યાણપુરમાં  3 ઈંચ વરસાદ વરસ્યો હતો.